નસવાડી એપીએમસીનો ગેટ જર્જરિત બનતા દુર્ધટનાનો ભય

નસવાડી એપીએમસીમાં પ્રવેશવાના માર્ગ ઉપર બનાવેલા ગેટના પિલ્લરોમાં તિરાડો પડી જવાની સાથે ગેટનો એક છેડો છુટો પડી ગયો છે. વહેલી તકે ગેટનુ સમારકામ કરવામાં નહિ આવે તો મોટી દુર્ધટના સર્જાઈ શકે તેવી ભિતી સેવાઈ રહી છે.

નસવાડી એપીએમસીના પ્રવેશ માર્ગ ઉપર એપીએમસીના સત્તાધિશો દ્વારા એક ગેટ બનાવયો છે. ગેટના ઉપરના ભાગને ટેકો આપતા પિલ્લરોમાં તિરાડો પડી જતાં એક છેડો પણ છુટો પડી જતા ગેટનુ સમારકામ કરવુ જ‚રી બન્યુ છે. ગેટને ઉતારી લઈને નવો ગેટ બનાવે તેવી જ‚રિયાત ઉભી થઈ છે. એપીએમસી ગ્રાઉન્ડમાં મોટા વાહનો વજન કરાવવા માટે આવે છે. દર રવિવારે અહિં હાટ બજાર ભરાય છે. જેમાં હજારો લોકો વેપાર-ધંધો કરવા માટે આવે છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પણ આવે છે. આ સમયે લોકો જર્જરિત ગેટ નીચેથી પસાર થાય છે. જો ગેટનો ઉપરનો ભાગ અચાનક તુટી પડે અને કોઈ વ્યક્તિ તેની નીચે દબાઈ જાય તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.