ગોધરા શહેર બી ડિવિઝન મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓ વધતી હતી. થોડા સમય પહેલા ભામૈયા ગામના શિવમંદિરમાંથી થયેલી ચોરીનો ગુનો પણ ચર્ચામાં રહ્યો હતો.
આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા અને જાહેર સ્થળોના દરવાજા તથા તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા શખ્સ સાદીક ઉર્ફે બચી મોહમંદ હનીફ ભીસ્તી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. ડિ-સ્ટાફના એએસઆઇ અરવિંદભાઈ સડીયાભાઈ બર્મન તથા હેડ કોન્સ્ટેબલ કમલેશકુમાર ગોપાલસિંહને બાતમી મળી કે આરોપી ગોધરાની લીલેસરા ચોકડી પાસે જોવા મળ્યો છે. પોલીસ સ્ટાફએ તરત જ ઘટનાસ્થળે દોડી જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો, અવારનવાર ચોરીઓ તથા તોડફોડના ગુનાઓ કરતી વૃત્તિને કારણે તેના વિરૂદ્ધ મંજુર થયેલ પાસા પ્રમાણે કાયદેસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.