
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાત (KCG)ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ, સામાજિક જવાબદારી અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધા વિદ્યાર્થીઓને પોતાની વક્તૃત્વપ્રતિભા અને વૈચારિક અભિવ્યક્તિ પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડનારી બની રહી હતી.
યુનિવર્સિટીના કુલપતિ પ્રોફ. ડૉ. હરિભાઈ કાતરિયા તથા રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત–૨૦૪૭’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર યુવાનોમાં ઉચ્ચ ચારિત્ર્ય, વિવેક, વિનય, શિસ્ત, રાષ્ટ્રભક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ વિકસાવવો એ આ સ્પર્ધાના મુખ્ય ઉદ્દેશો રહ્યા હતા.
નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાત દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર સ્પર્ધામાં પાંચ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ‘નવું ભારત–૨૦૪૭: સ્વાવલંબી, સ્વચ્છ અને સશક્ત ભારતનું નિર્માણ’, ‘વિકસિત ભારત–૨૦૪૭: આત્મનિર્ભર ભારત’, ‘સંસ્કૃતિ એ સંસ્કાર: રાષ્ટ્રની અસ્મિતાનો આધાર’, ‘કર્મ અને કૌશલ્ય’ તથા ‘ભારતીય નાગરિક તરીકેની ફરજો: બંધારણની કલમ ૫૧(અ)’ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ વિષયો દ્વારા વિદ્યાર્થીઓને ભારતના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભરતા, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, કૌશલ્ય વિકાસ, નૈતિક મૂલ્યો અને બંધારણીય ફરજો અંગે ચિંતન-મનન કરવાની તક પ્રાપ્ત થઈ હતી.
આ સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોની રજૂઆતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં શેખ સાબીર અહેમદજીને પ્રથમ ક્રમે, બીજા ક્રમે વણકર ગૌરાંગ અને ત્રીજા ચારેલ હર્ષદકુમાર ડી. વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું આયોજન સમિતિના નોડલ ઑફિસર ડૉ. વિજય માંગુકિયા તથા સમિતિના સભ્યો ડૉ. નીતિન રાઠોડ, ડૉ. દિલીપ ચૌહાણ અને ડૉ. ઈશ્વર આહીર દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. જાગૃતિ મહેતા અને ડૉ. રોહલ રાવલે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.