
સરકારી આઈ.ટી.આઈ. દાહોદ ખાતે તાલીમાર્થી બહેનો માટે દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન, કિશોરીઓની આરોગ્ય સુરક્ષા તથા પોષણના મહત્વ પર આધારિત એક વિશેષ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની ૧૫૦ જેટલી તાલીમાર્થી બહેનો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રશ્મિ મૌર્યએ ’વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, દેશને આર્થિક અને સામાજીક રીતે સશક્ત બનાવવામાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે. ટેકનિકલ ક્ષેત્રે બહેનો આગળ વધીને રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી શકે છે.

બીજા સત્રમાં આઈ.સી.ડી.એસ. દાહોદના પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોશીએ સરકારની ‘નવ્યા ૨.૦’ (ગઅટઢઅ ૨.૦) યોજના અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે ડિજીટલ યુગમાં આ યોજના કિશોરીઓ અને યુવતીઓના સશક્તિકરણ, સુરક્ષા તેમજ કૌશલ્ય વર્ધનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા ‘પોષણ માસ’ અંતર્ગત ઝાયડસ હોસ્પિટલના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડો. અનીતા રાઠોડે ખાસ હાજરી આપી હતી. તેમણે કિશોરીઓ અને મહિલાઓમાં જોવા મળતી એનીમિયા (લોહીની ટકાવારી ઓછી હોવી)ની સમસ્યા અને તેના નિવારણ માટે સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ વિશે તબીબી માર્ગદર્શન પૂં પાડ્યું હતું.