પાટણ જિલ્લામાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો,એસઓજીની કડક કાર્યવાહી

પાટણ જિલ્લામાં બોગસ તબીબોના રાફડાએ આરોગ્યતંત્રને કટઘરામાં ઉભું કરી દીધું છે. જિલ્લામાં એક પછી એક નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે, ત્યારે હવે સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામેથી વધુ એક બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. ડિગ્રી કે લાયસન્સ વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ શખ્સ સામે કડક કાર્યવાહી કરી છે

પાટણ જિલ્લા એસઓજી ટીમે સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામ ખાતે કાર્યવાહી કરીને મેહદી ઇસ્માઇલ દાવડા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તે પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આરોપી બીમાર લોકોને તપાસી દવાઓ તેમજ ઇન્જેક્શનો આપી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, ર્જીંય્ની ટીમ કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સેદ્રાણા ગામમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રામ પંચાયત સામે આવેલી એક દુકાનમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે.બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાંથી મેહદી દાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત, દરોડા દરમિયાન સ્થળ પરથી, વિવિધ પ્રકારના ઇન્જેક્શનો, દવાઓ, મેડિકલ સાધનો સહીત કુલ રૂ. ૪,૪૦૮.૪૭ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દર્દીઓની તપાસ કરી ઈન્જેક્શન આપી રહ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલ આરોપી મેહદી દાવડા મૂળ હિંમતનગરના કાટવાડનો વતની હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તે સેદ્રાણા ગામમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં વારંવાર બોગસ ડોક્ટરો ઝડપાતા હોવાને કારણે જિલ્લા આરોગ્યતંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા નકલી તબીબો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.