હાલોલના બાસ્કાની તલાવડીએ પાણીની મોટરના હેવી વાયરો ચોરાઈ જતાં પાણી માટે કિલ્લત

બાસ્કા ગામમાં પાણીની મોટરના વાયરની ચોરી થતાં ગામમાં બે દિવસથી પાણીનો સપ્લાય બંધ રહેતા ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારોમાં ટેન્કર મોકલાયા હતા. જયારે ગ્રામજનોએ મોટરના વાયરની ચોરી કરનાર અજાણ્યા ઈસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બાસ્કા ગામ ખાતે આવેલી તલાવડી ખાતે ગામ માટે પાણીનો સપ્લાય આપવા રોજમદાર રોજ મોટર ચાલુ કરીને ગામને પાણી પહોંચાડવામાં આવે છે. રોજમદાર બે દિવસ પહેલા મોટર ચાલુ કરવા જતાં મોટર ચાલુ થઇ ન હતી. તપાસ કરતા કોઈ અજાણ્યા ચોરે મોટરનો હેવી વાયર જમીનમાં દાટેલો હતો તેની ચોરી કરીને લઈ ગયો હતો. વાયરની ચોરી થતાં મોટર ચાલુ નહિ થતાં બાસ્કા ગામમાં બે દિવસથી પાણીનો સપ્લાય બંધ રહ્યો હતો. ગામમાં બે દિવસ સુધી પાણી નહિ આવતા પાણી વગર ગ્રામજનો પરેશાન થયા હતા. આખરે ગ્રામ પંચાયત દ્વારા ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલવાની ફરજ પડી હતી. ગામમાં પાણી પહોંચાડતી મોટરના વાયરની ચોરી થતાં ગ્રામજનો પરેશાન થતાં ગામલોકોએ વાયરની ચોરી કરનાર ચોરને વહેલી તકે પકડીને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.