
ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે. લોકચર્ચા મુજબ ગામમાં કરવામાં આવેલા કેટલાક વિકાસના કામો જૂના કામો ઉપર નવા લપેડા કરી બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિકાસની ગ્રાન્ટનો વપરાશ કઈ રીતે અને કયા કામોમાં કરવામાં આવ્યો તેની પારદર્શક તપાસની માંગ ઉઠી છે.
નવાનગર ગામના વિવિધ ફળિયામાં બાંકડા મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રામ પંચાયતના જર્જરિત મકાનની સામે નવાનક્કોર બાંકડા મૂકવામાં આવતા આ બાબત ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની છે. ગ્રામજનોનો સવાલ છે કે આ બાંકડા કઈ ગ્રાન્ટ માંથી મૂકવામાં આવ્યા અને તેના પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો?

ગામના જાહેર રસ્તાઓ પર સરપંચના નામવાળા બાંકડા મૂકવામાં આવ્યા હોવાની વાતને લઈને પણ લોકોમાં ચર્ચા છે. ગ્રામજનોમાં એવી ટકોર થઈ રહી છે કે ગામમાં બાંકડા તો નવા જોવા મળે છે, પરંતુ અન્ય મૂળભૂત વિકાસના કામો ક્યાં છે?
લોકચર્ચા મુજબ સરપંચ દ્વારા બાંકડા બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાની પણ ચર્ચા છે. જો આવું હોય તો સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવતી ખરીદી અને કામગીરીમાં હિતસંઘર્ષ થયો છે કે કેમ તે તપાસનો વિષય બની શકે છે. બાંકડા બનાવવાની કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ હોય તો તેની જરી પરવાનગીઓ, ૠજઝ નોંધણી તથા પંચાયત દ્વારા કરવામાં આવેલી ખરીદીની પ્રક્રિયા નિયમસર થઈ છે કે કેમ તેની પણ તપાસ થવી જરી હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
બીજી તરફ, ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળે છે અને તેની આસપાસ ઉકરડા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. એક તરફ પંચાયતનું મકાન અને ગામની અન્ય સુવિધાઓની સ્થિતિ સામે સવાલો છે, તો બીજી તરફ નવા બાંકડાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
જૂના વિકાસના કામોને નવા કામ તરીકે દર્શાવવામાં આવ્યા છે કે કેમ, કઈ ગ્રાન્ટમાંથી કેટલો ખર્ચ થયો, બાંકડાની ખરીદી કોની પાસેથી કરવામાં આવી અને સમગ્ર કામગીરીમાં નિયમોનું પાલન થયું છે કે નહીંતે અંગે તટસ્થ તપાસ થાય તો હકીકત બહાર આવી શકે છે.
ગ્રામજનોની માંગ છે કે, સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવાનગર ગ્રામ પંચાયતના વિકાસના કામોની સ્થળ તપાસ તેમજ ગ્રાન્ટના ખર્ચના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે નિયમસર કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલે ગ્રામજનોની ફરિયાદો અને લોકચર્ચા વચ્ચે તંત્રની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.