રાહુલ ગાંધીના નાગરિકત્વ કેસને રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો

રાહુલ ગાંધીનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં છે, પરંતુ આ વખતે કારણ ચૂંટણીલક્ષી નહીં પણ કાનૂની છે. રાહુલ ગાંધીની કથિત નાગરિક્તા સંબંધિત કેસમાં નવો વળાંક આવ્યો છે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ હાઈ-પ્રોફાઈલ કેસને રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી રાજકીય અને કાનૂની વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિક્તા સંબંધિત કેસને રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બુધવારે રાહુલ ગાંધીના કથિત બ્રિટિશ નાગરિક્તા વિવાદ સંબંધિત કેસને રાયબરેલીથી લખનૌ ટ્રાન્સફર કર્યો હતો. ન્યાયાધીશ બી.આર. સિંહની આગેવાની હેઠળની બેન્ચે કર્ણાટકના ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ જારી કર્યો હતો. વિગ્નેશએ રાયબરેલીની ખાસ સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં બીએનએસ એક્ટ, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ વિવિધ આરોપો લગાવવામાં આવ્યા હતા.

અરજદારે કોર્ટને કેસ લખનૌ ટ્રાન્સફર કરવાની વિનંતી કરી, કારણ કે જ્યારે પણ તેઓ રાહુલ ગાંધીના મતવિસ્તાર રાયબરેલીની સુનાવણી માટે જાય છે ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ન્યાયી ટ્રાયલ અશક્ય છે.

અરજદારે સુરક્ષાની ચિંતાઓનો ઉલ્લેખ કરીને હાઇકોર્ટમાં હસ્તક્ષેપ માટે અપીલ કરી. અરજીની સુનાવણી પછી, હાઇકોર્ટની બેન્ચે કેસ લખનૌ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.