ગોધરા તાલુકાના પાંડવા ગામે મોરવા(હ)ના અસરગ્રસ્તોને ફળવાયેલ જમીન પ્રકરણમાં નિરીક્ષણ કરાયુ

ગોધરા તાલુકાના પાંડવા ગામ ખાતે આવેલી મોરવા(હ)સિંચાઈ યોજનાના અસરગ્રસ્તોને પુન: વસવાટ કલેકટર પંચમહાલ ફળાવયેલ જમીન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ નિરીક્ષણ કરાયુ હતુ. અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે, અધિકારી રોડ પરની જમીનમાં જ પંચનામું કરીને નીકળી ગયા હતા. જેના વિરોધમાં અરજદારોએ સહી કરી નથી.

મોરવા(હ)અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે, ૧૯૮૨માં ફળવાયેલ જમીન પર છાપરા પણ બનાવાયા હતા. પરંતુ જંગલ વિભાગ જે તે સમયે અમને ખેતી કરવા દેતુ ન હતુ. તેથી તેઓ ધંધા-રોજગાર માટે અન્ય સ્થળે સ્થળાંતર કર્યુ હતુ. અમને ફાળવેલી જમીન મેળવવા ગોધરા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનુ જજમેન્ટ અમારી તરફેણમાં આવ્યુ હોવા છતાં જમીન નહિ મળતા ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જે અંતર્ગત પાનમ યોજના વર્તુળના અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પંચનામું કરવા આવ્યા હતા. પરંતુ તેઓ રોડ પરની જમીનમાં જ પંચનામું કરીને નીકળી ગયા હતા. જેથી અમે સહી કરી નથી. આદિવાસી અસરગ્રસ્ત બાબુ મનસુખ કામોળે જણાવ્યુ હતુ કે, જમીન મેળવવા માટે છેલ્લા ૪૫ વર્ષથી લડત ચાલુ છે. વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે ન્યાય મળવાની આશા હતી પરંતુ તે ઠગારી નીવડી હતી.