–રૂ.૪.૫૨ લાખના દાગીના કબ્જે લેવાયા
દાહોદ શહેરમાં જવેલર્સની દુકાનમાં સોના-ચાંદીના રૂ૪,૫૨,૭૦૦/-ની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી પુરા મુદ્દામાલ સાથે ત્રણ શખ્સ અને એક બાળ કિશોરને ઝડપ્યો હતો.
દાહોદ શહેરમાં પડાવ સર્કલ મહાદેવ મંદિર પાસે આવેલ શિવ જવેલર્સની દુકાનમાં ગત તા.૫ ઓગસ્ટના રોજ રાત્રે તસ્કરોએ જવેલર્સની દુકાનનુ તાળુ તોડી દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના કુલ .૪,૫૨,૭૦૦/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ જવેલર્સના માલિક રોનક દિપક કુમાર ખંડેલવાલ દાહોદ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપતા વિવિધ ટીમો બનાવી એલ.સી.બી., એસ.ઓ.જી., દાહોદ એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દાહોદ એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દાહોદમાંથી ચોરીને અંજામ આપનાર આરોપીઓ જેમાં રાજુ સાકરીયા પલાસ, નિકુલ હારસિંગ ડાભી, અને મુકેશ મંગુ પલાસને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના પુરેપુરી ૧૦૦ ટકા રકમ પોલીસે કબ્જે કરી હતી. ચોરીના ગુનામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ છે. આ સંબંધે દાહોદ એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.