ન્યુ ગુજરાત પેટર્ન અને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ૯૦ ટકા સહાયનો લાભ લેવા અનુરોધ.
ઝટકા મશીન અને પાવર વીડર માટે ૨૦ ઓગસ્ટ સુધીમાં તાલુકા પંચાયત ખાતે ભૌતિક અરજીઓ સ્વીકારવામાં આવશે.
મહીસાગર જીલ્લાના આદિજાતિ ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને ખેતીમાં આધુનિકીકરણ લાવવાના ઉમદા હેતુથી જીલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ન્યુ ગુજરાત પેટર્ન અને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા આદિજાતિ લાભાર્થીઓ આગામી તા. ૨૦/૦૮/૨૦૨૬ સુધીમાં જરી દસ્તાવેજો સાથે પોતાની ભૌતિક અરજીઓ રજૂ કરી શકશે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરોમાં જંગલી જાનવરોથી થતા પાક નુકશાનને અટકાવવા અને ખેતી કાર્યમાં યાંત્રિકીકરણ વધારી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાનો છે.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ૯૦ ટકા જેવી માતબર સહાયથી સૌર ઊર્જા સંચાલિત ઝટકા મશીન અને સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વીડર પૂરા પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. વન્ય જીવો દ્વારા ખેતરમાં ઉભા પાકને થતી નુકસાની રોકવા માટે આ ઝટકા મશીન ખેડૂતો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે, જ્યારે પાવર વીડરના ઉપયોગથી ખેતીના કાર્યો વધુ સરળ અને ઝડપી બનશે. આ યોજના હેઠળ જીલ્લાના દરેક તાલુકા માટે ચોક્કસ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોએ ફાળવાયેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલી તકે અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ જે આદિજાતિ ખેડૂતો વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત ખેડાણના હક્ક એટલે કે વન અધિકાર પત્ર ધરાવે છે, તેમને વ્યક્તિગત ધોરણે ૯૦ ટકા સહાયથી સૌર ઊર્જા સંચાલિત ઝટકા મશીન આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને વન વિસ્તારોમાં ખેતી કરતા આદિજાતિ પરિવારોને રક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ પણ તાલુકાવાર ફળવાયેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ ‘વહેલા તે પહેલા’ના ધોરણે આપવામાં આવશે.
લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ સંબંધિત તાલુકાની તાલુકા પંચાયત ખાતે આવેલી ખેતીવાડી શાખાનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાંથી અરજીનો નમૂનો મેળવી શકાશે. અરજી સાથે ખેડૂતોએ ૭-૧૨ અને ૮-અ ના ઉતારા, વન અધિકાર પત્ર, જાતિના દાખલાની નકલ, આધાર કાર્ડની નકલ અને નિયત બાંહેધરી પત્ર જેવા આવશ્યક દસ્તાવેજો બિડાણ કરવાના રહેશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સક્ષમ સત્તાધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપ્યા બાદ જ નિયત કરેલ શરતો મુજબ સાધનોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મહીસાગર જીલ્લાના તમામ પાત્રતા ધરાવતા આદિજાતિ ખેડૂતોને આ સરકારી સહાયનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની છેલ્લી તારીખ હોવાથી, ખેડૂતોએ વિલંબ કર્યા વગર પોતાના તાલુકાની કચેરીનો સંપર્ક કરી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. આ યોજનાઓ થકી જીલ્લાના છેવાડાના આદિજાતિ ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બનશે અને તેમની ખેતી પદ્ધતિમાં આધુનિક પરિવર્તન આવશે.