
૪૦ દિવસીય પવિત્ર ચાલિયા વ્રતનો પ્રારંભ, અખંડ જ્યોત પ્રગટાવી ભક્તિમય માહોલ સર્જાયો.
ઝાલોદ શહેરના મીઠાચોક સ્થિત શેઠાણી ફળિયામાં આવેલા પવિત્ર શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના આરાધ્ય દેવ. ભગવાન શ્રી ઝૂલેલાલના પવિત્ર ચાલિયા સાહેબ ઉત્સવના ૧૧મા વર્ષની ભવ્ય ઉજવણીનો મંગળવાર, તા. ૪ ઓગસ્ટ ૨૦૨૬થી શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાવન અવસરે મંદિરમાં પરંપરાગત વિધિ-વિધાન સાથે અખંડ જ્યોત પ્રગટાવી ૪૦ દિવસીય ચાલિયા વ્રતનો પ્રારંભ કરાયો હતો.
મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રીઝૂલેલાલના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પૂજા-અર્ચના કરી ધર્મલાભ મેળવ્યો હતો.
સિંધી સમાજ વર્ષોથી ચાલિયા સાહેબ ઉત્સવની ઉજવણી કરતો આવ્યો છે. જોકે, ઝાલોદ ખાતે મંદિરની સ્થાપના બાદ છેલ્લા દસ વર્ષથી આ પવિત્ર ઉત્સવ મંદિર પરિસરમાં ઉજવાઈ રહ્યો છે અને આ વર્ષે તેની ૧૧મી ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ચાલિયા સાહેબનું ૪૦ દિવસીય વ્રત ભગવાન શ્રી ઝૂલેલાલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે રાખવામાં આવે છે. વ્રતધારીઓ આ સમગ્ર સમયગાળા દરમિયાન કઠોર ધાર્મિક નિયમોનું પાલન કરી ઉપવાસ, ભજન, પૂજન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે.
ભગવાન શ્રી ઝૂલેલાલને વણ દેવ (જળના દેવ) તરીકે પૂજવામાં આવે છે. તેથી ભક્તો ભૈરાણા સાહેબની પૂજા કર્યા બાદ જળાશયો પર જઈ જળપૂજન પણ કરે છે, જે ચાલિયા વ્રતની વિશિષ્ટ પરંપરા માનવામાં આવે છે.
ચાલિયા મહોત્સવ દરમિયાન ઝાલોદ અમરલાલ ગ્રુપ દ્વારા સમગ્ર શહેરમાં “હર ઘર ભગવાન ઝૂલેલાલ હર ઘર કીર્તન અભિયાન અંતર્ગત દરરોજ વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ ભજન-કીર્તન કરવામાં આવે છે. દરરોજ રાત્રે ૯:૩૦થી ૧૧:૦૦ વાગ્યા સુધી ભગવાન ઝૂલેલાલની આરાધના, ભજન-સંધ્યા અને કીર્તનનું આયોજન કરવામાં આવે છે.
દરરોજ સાંજે ઝૂલેલાલ મંદિરમાં આરતી બાદ આખો, પલ્લવ, ભોગ અને ધુણી જેવી ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવે છે, જેમાં સિંધી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાઈ ધર્મલાભ મેળવે છે.
ચાલિયા સાહેબ મહોત્સવની પૂર્ણાહુતિ શનિવાર, તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો, ભગવાન ઝૂલેલાલના કીર્તન, ભજન-સંધ્યા અને વિશેષ પૂજન સાથે ઉજવવામાં આવશે.
સમગ્ર ચાલિયા મહોત્સવ દરમિયાન ઝાલોદનો સિંધી સમાજ શ્રદ્ધા, ભક્તિ અને એકતાના ભાવ સાથે ભગવાન ઝૂલેલાલની આરાધનામાં લીન રહી ધાર્મિક પરંપરાને જીવંત રાખી રહ્યો છે.