લોખંડની કોશથી હુમલો કરી વૃદ્ધ ખેડૂતને ઇજા, દંપતી સામે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો.
ગોવિંદ ગુ લીમડી તાલુકાના મલવાસી ગામે સરકારી આર.સી.સી. રોડના મુદ્દે થયેલો વિવાદ હિંસક બનતા એક વૃદ્ધ ખેડૂત પર લોખંડની કોશ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્તને પ્રથમ પેથાપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે લીમડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મલવાસી ગામના ડામોર ફળિયામાં રહેતા મલસીંગભાઈ કટારા પોતાના કામકાજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમના કુટુંબી ભાવસીંગભાઈ બીજીયાભાઈ કટારાએ તેમના ઘરની આગળથી પસાર થતા આર.સી.સી. રોડ અંગે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. મલસીંગભાઈએ રોડ સરકારની ગ્રાન્ટ માંથી બન્યો હોવાનું જણાવતા ભાવસીંગભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.
ફરિયાદ મુજબ, ભાવસીંગભાઈએ હાથમાં રહેલી લોખંડની કોશ વડે મલસીંગભાઈના માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કર્યો હતો. હુમલાના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના સમયે ખેતરમાં કામ કરી રહેલી તેમની પત્ની કમલીબેન દોડી આવી હતી અને બૂમાબૂમ કરતાં આરોપીની પત્ની નભુબેન પણ ત્યાં પહોંચી હતી.
આક્ષેપ મુજબ, નભુબેને પણ ગાળો બોલી બંનેએ મળીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્તને પેથાપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે લીમડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.
ઇજાગ્રસ્તની સારવારમાં વ્યસ્ત હોવાના કારણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાઈ ન હતી. બાદમાં કમલીબેન કટારાએ પોતાના પુત્ર અને પરિવારજનો સાથે પોલીસ મથકે હાજર રહી સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે ભાવસીંગભાઈ બીજીયાભાઈ કટારા અને નભુબેન વિદ્ધ મારામારી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.