ઝાલોદમાં ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી: સુપરસ્ટાર ગાયકોની રમઝટ સાથે નગરમાં નીકળશે ભવ્ય રેલી

ભીલ રાજા ઝાલા વસૈયાની ધરતી પર અર્જુન આર. મેડા અને આર્ચી બામણીયા કરશે રંગારંગ રજૂઆત; કાર્યક્રમની સફળતા માટે ઝાલોદ પોલીસ સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ.

ઝાલોદ શહેરમાં ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય રેલી અને લોકસંસ્કૃતિના દર્શન થવાના છે.

આયોજનના ભાગ‚પે ગુજરાતના જાણીતા લોકગાયક અર્જુન આર. મેડા અને આર્ચી બામણીયા પોતાની સંગીતમય રજૂઆતથી ઉપસ્થિત જનમેદનીને ઝૂમાવશે. “આદિવાસી સુપરસ્ટાર સિંગર તરીકે જાણીતા બંને કલાકારો પ્રથમ વખત ભીલ રાજા ઝાલા વસૈયાની ઐતિહાસિક ધરતી ઝાલોદમાં એક જ મંચ પર રજૂઆત કરશે, જેને લઈને યુવાનો અને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભીલ રાજા ઝાલા વસૈયા ચોકથી ઝાલોદ નગરમાં ભવ્યાતિભવ્ય રેલી પણ નીકળશે. પરંપરાગત વેશભૂષા, ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિ સાથે સમગ્ર નગર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ જશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાર્યક્રમના સુચા‚ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ઉઢજઙ ડી.આર. પટેલ અને ઙઈં રવિ ગામીતની અધ્યક્ષતામાં આયોજકો, સમાજના આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમને શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને સફળ બનાવવા માટે પરસ્પર સહકાર તથા બાંહેધરી આપવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં અથવા તીક્ષ્ણ કે ઘાતક હથિયાર સાથે જોવા મળશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં જવાબદારી આયોજકોની નહીં પરંતુ સંબંધિત વ્યક્તિની પોતાની રહેશે.

આયોજકોએ સમાજના તમામ લોકો, ખાસ કરીને યુવાનોને શાંતિ, શિસ્ત, એકતા અને જવાબદારીનું પાલન કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાવા અપીલ કરી છે. સમગ્ર કાર્યક્રમને લઈને ઝાલોદ શહેરમાં અત્યારથી જ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અને આ વર્ષની ઉજવણી યાદગાર બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.