ઈન્દોૈર-અમદાવાદ નેશનલ હાઈવે પર લીમખેડા બાયપાસ સ્થિત પાલ્લી બ્રિજ પર પડેલા મોટા અને ઉંડા ખાડાઓ વાહનચાલકો માટે ગંભીર જોખમ બની ગયા છે. ખાડાઓના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. તેમજ રોજિંદી અવર જવર પણ મુશ્કેલ બની છે.
દાહોદ જિલ્લાના લીમખેડા બાયપાસ પર આવેલા પાલ્લી બ્રિજની હાલત અત્યંત બિસ્માર બની છે. બ્રિજ પર પડેલા મોટા અને ઉંડા ખાડાઓના કારણે ટુ-વ્હિલર, કાર સહિતના નાના વાહનચાલકો માટે અકસ્માતનુ જોખમ વધ્યુ છે. ખાડાઓથી બચવા માટે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે. અથવા વાહન ધીમું કરવુ પડે છે. જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર રોજબરોજ વાહનોના ટાયર, સસ્પેન્શન અને એકસલને નુકસાન પહોંચવાના બનાવો સામે આવી રહ્યા છે. રાત્રિના સમયે બ્રિજ પર પુરતી લાઈટિંગ ન હોવાથી ખાડાઓ દેખાતા નથી. જેના કારણે ગંભીર અકસ્માતોની આશંકા વધુ વધી જાય છે. સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોએ નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ માર્ગ અને મકાન વિભાગને પાલ્લી બ્રિજ પર તાત્કાલિક પેચવર્ક અને સમારકામ હાથ ધરી વાહનચાલકોની અવર જવર સુનિશ્ર્ચિત કરવા માંગ કરી છે.