સંખેડાના આકાખેડા-સરસિંડા છાછા વચ્ચે ખેતરમાં કોતર પડતાં ધોવાણ કેળના પાકને નુકશાન

સંખેડા તાલુકાના આકાખેડા-સરસિંડા છાછા વચ્ચે ખેતરોના વરસાદી પાણી ફરી વળવાને કારણે એક ખેતરમાં અંદાજે સવા વીઘા જેટલું ધોવાણ થતાં ખેતરમાં વચ્ચે જ કોતર પડી ગયું હતું.

જેમાં અંદાજે ૧,૦૦૦ જેટલા કેળાના છોડ ઉપરાંત ૫૦૦૦ મીટર જેટલી ડ્રિપની પાઇપને નુકસાન થયું હતું. સંખેડા તાલુકામાં તાજેતરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે નદી નાળા કોતર છલકાઇ ઉઠ્યા હતા.

તાલુકાના આકાખેડા અને સરસીંડા છાછા ગામ વચ્ચે આવેલા એક ખેતરમાં આસપાસના ખેતરમાંથી પાણી આવ્યું હતું. જેને કારણે ખેતરમાં જ મોટું કોતર પડી ગયું હતું. જેથી ખેતરમાં વવાયેલા આશરે ૧૦૦૦ જેટલા કેળાના છોડના વાવેતરને નુકશાન થયું હતું. જ્યારે ૫૦૦૦ મીટર જેટલી ડ્રિપની પાઈપને પણ નુકસાન થયું હતું.

અત્રે ખેતી કરતા ચેતનભાઇએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ દરમિયાન આસપાસના ખેતરોમાંથી પાણી આવી ગયું હતું અને તેને કારણે ખેતરમાં અંદાજે સવા વીઘા જેટલા ભાગમાં રીતસર કોતર જ પડી ગયુ છે. ખૂબ જ મોટી માત્રામાં જમીનનું ધોવાણ થઈ ગયું છે. અહીં વાવેતર કરાયેલા કેળાના છોડને નુકસાન થયું છે. તો ડ્રિપની પાઇપને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે.