મહિસાગર જિલ્લામાં રાજસ્થાનથી દારૂ ધુસાડતા બુટલેગરોને રોકવા પોલીસ નિષ્ફળ છે પરંતુ જો કોઈ સામાન્ય નાગરિક રાજસ્થાનમાંથી મહિસાગર જિલ્લામાં પ્રવેશ કરે છે તો તેનુ ગાડીનુ સઘન ચેકિંગ થાય છે. કાયદા પ્રમાણે તે થવુ જોઈએ. પરંતુ સામાન્ય નાગરિકોની કાર અથવા ખાનગી વાહન જેવુ ચેકપોસ્ટથી થોડા કિ.મી.આગળ વધે છે તો નકલી પોલીસ દ્વારા ખાનગી વાહનમાં તેનો પીછો કરવામાં આવે છે. અને ડરાવવા ધમકાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તો ડરેલો નાગરિક પોતાની જાન છોડાવવા માટે વ્યવહાર પણ કરી નાંખે છે તેવી ચર્ચા અને ફરિયાદો એક મહિનાથી વધી છે.
મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા ડિસેમ્બર મહિનો આવતાની સાથે ફરી ડીટવાસ, પુનાવાડા, ભુલ, કાલીયાકુવા, અને માનગઢ બોર્ડર પર ચેકપોસ્ટ બનાવી ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. અને જિલ્લા એલસીબીના જવાનો અને અધિકારી યુનિફોર્મ નહિ પરંતુ ટી-શર્ટ અને જીન્સ પહેરીને સિંઘમ સ્ટાઈલમાં સોટ્ટો પાડવા ચેકિંગ કરી રહ્યા છે. કાયદાની દ્રષ્ટિએ એલસીબીના જવાના અને અધિકારીઓ આઈકાર્ડ સાથે યુનિફોર્મમાં હોવા જરૂરી છે. પરંતુ કાયદાનુ પાલન થતુ નથી. સમસ્યા તો ત્યારે ઉભી થાય છે. જયારે ચેકપોસ્ટ ઉપર સામાન્ય નાગરિકનુ વાહન ચેક થઈ ગયા બાદ આગળ વધે છે ત્યારે થોડા કિ.મી.દુર પહોંચ્યા બાદ નંબર પ્લેટ વગરનુ ખાનગી વાહન તેનો પીછો કરે છે. અને જંગલ વિસ્તાર આવતા જ સામાન્ય નાગરિકના વાહનની આગળ વાહન ઉભુ રાખીને રોકવામાં આવે છે. અને ડરાવવા-ધમકાવવામાં આવે છે. ખાનગી વાહનમાં આવેલા લોકો યુનિફોર્મમાં હોતા નથી. એટલે પોલીસે છે કે નહિ તેની પણ શંકા હોય છે. વાહન પણ ખાનગી હોય છે. અને નંબર પ્લેટ વગરનુ હોય છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન જયારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા મહેનત કરી રહ્યા છે ત્યારે આવા તત્વો દ્વારા તેમની કામગીરીમાં કલંકરૂપ સાબિત થઈ રહ્યા છે.