પંચમહાલ જિલ્લામાં બેવડી ઋતુને લઈ ખાંસી-તાવના દર્દીઓે વઘ્યા

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જામે છે. જિલ્લામાં ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ 30 ડિગ્રી નોંધાયુ હતુ.અને બપોરે આકરો તાપ પડી રહ્યો હતો. બેવડી ઋતુના પગલે લોકોના આરોગ્ય પર પણ અસર થતાં શરદી-ખાંસી અને તાવના છેલ્લા 7 દિવસમાં 7,157 કેસ નોંધાયા છે.

પંચમહાલમાં શિયાળાનુ ઋતુ દરવાજે દસ્તક દઈ રહી છે પરંતુ હજુ આકરી ઠંડીની શરૂઆત થઈ નથી. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બપોર થતાં ગરમી પડવાની ચાલુ થઈ જાય છે. શહેરનુ મહત્તમ તાપમાન 30 અને ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયુ હતુ. દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત રહેતા જિલ્લાવાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. નાના બાળકો, વયસ્કો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ઉપર ઠંડા-ગરમ વાતાવરણની વધુ અસર જોવા મળી રહી છે. જેથી લોકો શરદી-ખાંસી અને તાવના રોગોમાં સપાડાયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ચારથી પાંચ દિવસ સુધી ગરમી અને ઠંડી જેવી બેવડી ઋતુનુ વાતાવરણ રહેશે. આવનાર 7 દિવસ બાદ ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોને શિયાળાની ઠંડીનો ચમકારો લાગશે.