સુરતમાં પાવરગ્રીડ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ‘વળતર નહીં તો ટાવર નહીં’ના નારા સાથે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ

સુરત જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા પાવરગ્રીડ લાઇન અને હાઈ-વોલ્ટેજ વીજ ટાવર સ્થાપવાની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ હવે વધુ તીવ્ર બન્યો છે. પોતાની ખેતીની જમીન, આજીવિકા અને ભવિષ્યને લઈને ચિંતિત ખેડૂતો મોટી સંખ્યામાં સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા અને સરકારના નવા વળતર પરિપત્રનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન ખેડૂતોએ જાહેરમાં પરિપત્રની હોળી કરી અને “વળતર નહીં તો ટાવર નહીં” તથા “જમીન અમારી માં છે” જેવા સૂત્રોચ્ચાર કર્યા.

આ વિરોધ કાર્યક્રમમાં ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, મહુવા, પલસાણા સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનો મારફતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.ખેડૂત સંગઠનોના આગેવાનો અને અસરગ્રસ્ત જમીન માલિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો અને વળતર ન મળે ત્યાં સુધી પાવરગ્રીડ ટાવરની કામગીરીનો વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી.

ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ તેમની જમીન પર વીજ ટાવર ઉભા કરવા માંગે છે, પરંતુ તેના બદલામાં મળતું વળતર બજાર કિંમતની સરખામણીએ ખૂબ ઓછું છે.તેમના મતે ટાવર ઉભા થયા બાદ માત્ર ટાવર આવેલી જગ્યા જ નહીં, પરંતુ તેની આસપાસનો વિસ્તાર પણ ખેતી માટે મર્યાદિત થઈ જાય છે, જેના કારણે લાંબા ગાળે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કોઈપણ કંપનીને તેમની જમીન પર કામગીરી કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

રાજ્ય સરકારે તાજેતરમાં વીજ ટાવર માટે જમીન ઉપયોગ અને વળતર સંબંધિત નવો પરિપત્ર જાહેર કર્યો છે. સરકારનો દાવો છે કે આ પરિપત્ર ખેડૂતોને વળતર આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.જાકે વિરોધ કરી રહેલા ખેડૂતોના જણાવ્યા મુજબ પરિપત્રમાં નક્કી કરાયેલા વળતરના દરો વર્તમાન બજાર કિંમત કરતાં ઘણા ઓછા છે. તેથી તેમણે આ પરિપત્રને સ્વીકારવાનો ઇનકાર કરી જાહેરમાં તેની પ્રતિકાત્મક હોળી કરી હતી.

ચાર ગણું વળતર અથવા નિયમિત ભાડાની માંગ

ખેડૂત સંગઠનોએ સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી છેઃ પાવરગ્રીડ ટાવર માટે ઉપયોગમાં લેવાતી જમીનનું વળતર વર્તમાન બજાર કિંમતના ચાર ગણાં દરે ચૂકવવું.,જા એકમુષ્ટ વળતર શક્ય ન હોય તો જમીનની માલિકી ખેડૂત પાસે જ રાખીને કંપની દ્વારા માસિક અથવા વાર્ષિક ભાડું ચૂકવવાની વ્યવસ્થા કરવી.,ટાવર અને વીજ લાઇનના કામ દરમિયાન પાકને થયેલા નુકસાનનું અલગથી સંપૂર્ણ વળતર ચૂકવવું.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે કેટલાક અન્ય રાજ્યોમાં ખેડૂતોને બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે. તેમના મતે જા અન્યત્ર વધુ વળતર મળી શકે છે, તો ગુજરાતના ખેડૂતોને પણ સમાન લાભ મળવો જાઈએ.

વિરોધ કાર્યક્રમ બાદ ખેડૂત પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમાં સરકાર સમક્ષ પરિપત્રમાં સુધારો કરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જા માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સ્થળ પર જઈ કામગીરી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે.