દ્વારકા, ગુજરાતમાં આજે સવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. દ્વારકા-પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાતા ૨ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે ૫ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિકો મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાઇવે પર કાર પલટી મારી જતાં એક બાળક અને પુરૂષનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ ઈજાગ્રસ્તો પૈકી એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને જામનગર રિફર કરાયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનું નામ પ્રિન્સ હોવાનું અને અન્ય એક વ્યક્તિનું નામ અનિલ બારોટ હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે.