મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામની માધ્યમિક શાળામાં યોજાયેલી જન કલ્યાણ શિબિર વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળા આયોજનને કારણે અરજદારો માટે આશિર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ છે.સરકારની લોકહિતની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના મોટા મોટા દાવાઓ વચ્ચે, ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે આખી શિબિરનો ફિયાસ્કો થયો હતો. હજારો અરજદારો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા છતાં નેટવર્ક ન હોવાના કારણે પ્રક્રિયા ખોરવાઈ જતાં અંતે ખાલી હાથે પરત ફરવુ પડ્યુ હતુ.
વિરપુર તાલુકાના બોર ગામે આયોજિત આ શિબિરમાં બોર, જોધપુર, આસપુર, બલવાખાંટના મુવાડા, જાંબુડી, તાજપુર, ઝવરાખાંટના મુવાડા, વરધરા, ભાણજીની વાવ, આસુંદરીયા, રતનકુવા, વિરપુર અને સરાડિયા સહિત કુલ ૧૫ ગામોના હજારો ગ્રામજનો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. લોકો આશા સાથે આવ્યા હતા કે, સરકારી યોજનાઓના ફોર્મ ભરીને લાભ મેળવશે. પરંતુ શિબિર સ્થળે ઈન્ટરનેટની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. સ્થાનિક લોકોમાં એ વાતને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે, જયારે બોર ગામમાં વર્ષોથી નેટવર્ક આવતુ નથી. ત્યારે તાલુકા વહીવટી તંત્રએ જાણીજોઈને આ જ સ્થળે ઓનલાઈન શિબિર કેમ યોજી…? શુ જવાબદાર અધિકારીઓનો આ સમસ્યાની જાણ નહોતી…?આ અણધડ આયોજનના કારણે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દુરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગરીબ અરજદારોને આખો દિવસ ભુખ્યા તરસ્યા લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ નિરાશ થઈને ધરે જવુ પડ્યુ હતુ.