
રાજકોટના ગોંડલમાં એક યુવકે સસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું બનાવ પ્રકાશમાં આવ્યો છે અને યુવકની નોટ પણ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલના નાગડકા રોડ પર આવેલી તિરૂમાલા રેસિડેન્સીમાં રહેતા કાલરીયા ડેનિશ મનસુખલાલ (ઉંમર ૪૫ વર્ષ) નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ડેનિશભાઈએ જીવન ટૂંકાવતા પહેલા કૌટુંબિક ભાઈને મોબાઈલ પર લોકેશન મોકલ્યું હતું, જેના આધારે પરિવારજનો તેમને સાંજે ૬ વાગ્યાથી શોધી રહ્યા હતા. આશરે બે કલાકની શોધખોળ બાદ, અનિડાના સીમ વિસ્તારમાં રહેતા મજૂરો તેમને બાઇક પર બેસાડી તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી એક નોટ મળી આવી છે, જે ૧ ડિસેમ્બરના રોજ લખાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ નોટમાં મૃતક ડેનિશભાઈએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સાસરિયા પક્ષના લોકોએ તેમની પાસે રૂ.૫૦ લાખની જંગી રકમની માંગણી કરી હતી, જેના ત્રાસથી કંટાળીને તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે. નોટમાં સાસરિયા પક્ષના અન્ય ૫ લોકોના નામ પણ લખેલા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.મૃતક ડેનિશભાઈની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે છે અને તેઓના છૂટાછેડાના મામલે છેલ્લા ૬ વર્ષથી ગોંડલ કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે. પોલીસે નોટ અને મૃતકના પરિવારજનોના નિવેદનોના આધારે સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.