
ગુજરાતની ઓળખ ગણાતા એશિયાઈ સિંહોના નિવાસસ્થાન ગીર અભ્યારણ્યમાં તાજેતરમાં નોંધાયેલા સિંહોના મોત બાદ અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એકથી વધુ સિંહોના મૃત્યુની ઘટનાઓ સામે આવતા વન્યજીવ પ્રેમીઓ, પર્યાવરણવિદો અને સ્થાનિકોમાં ચિંતા વધી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સિંહોના મોતનું ચોક્કસ કારણ શું છે અને તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કેમ કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, સિંહોના મૃત્યુ બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંહો પર ખાસ નજર રાખવામાં આવી હતી તેમજ કેટલાક સિંહોને આરોગ્ય નિરીક્ષણ હેઠળ પણ રાખવામાં આવ્યા હતા. સંભવિત ચેપને રોકવા માટે અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સિંહોના આરોગ્ય અને મૃત્યુના કારણો જાણવા માટે લોહીના નમૂનાઓ સહિતના સેમ્પલ રાજ્યની વિશેષ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. જોકે, તપાસના અંતિમ પરિણામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરખબર કરવામાં આવી નથી. જેના કારણે વિવિધ પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે.
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે આવા સંવેદનશીલ મુદ્દે પારદર્શકતા જાળવવી જરૂરી છે. જા કોઈ ચેપી રોગ કે અન્ય પરિબળ જવાબદાર હોય તો તેની માહિતી સમયસર જાહેર કરવાથી ભવિષ્યમાં જરૂરી તકેદારીના પગલાં લેવામાં મદદ મળી શકે છે. બીજી તરફ, સરકાર અને વન વિભાગ તરફથી હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
ગીરના સિંહો માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ વન્યજીવ સંપત્તિ માનવામાં આવે છે. તેથી તેમના આરોગ્ય અને સંરક્ષણ સાથે જાડાયેલા દરેક મુદ્દા પર લોકોની નજર રહેવી સ્વાભાવિક છે. હાલ સિંહોના મોતના કારણોને લઈને સત્તાવાર રિપોર્ટ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.
વન વિભાગનું કહેવું છે કે તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરી માહિતી જાહેર કરવામાં આવશે. જોકે, રિપોર્ટ જાહેર થવામાં થઈ રહેલા વિલંબને કારણે ચર્ચાઓ અને સવાલો સતત વધી રહ્યા છે. હવે સૌની નજર સત્તાવાર તપાસના પરિણામો અને આગામી પગલાં પર ટકેલી છે.