જુનાગઢના કેશોદમાં માતા-પુત્રના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો

કેશોદમાંથી એક ચોંકાવનારો અને માતા-પુત્રના પવિત્ર સંબંધોને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પુત્રએ માતા સાથે મારઝૂડ કરી, ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ, સોનાના દાગીના તેમજ વાહન બળજબરીપૂર્વક લઈ ગયો હતો. સમગ્ર મામલે કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

કેશોદના રાધારમણ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રફુલાબેન જયંતીભાઈ દવે દ્વારા પોતાના જ પુત્ર દીપ પ્રદ્યુમ્નભાઈ વ્યાસ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાને ૧૦ વર્ષ પહેલાં જ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ તે એકલા કેશોદમાં રહેતા હતા અને હોસ્પિટલમાં નોકરી કરે છે. આરોપી દીપ છેલ્લા કેટલાક સમયથી માતા સાથે રહેતો હતો અને અવારનવાર ઘરેલુ ઝઘડા કરતો હતો. પોતાની પત્નીથી અલગ થયા બાદ તે માતાના ઘરે રહેવા આવ્યો હતો. પુત્ર વારંવાર પૈસા અને દાગીનાની માંગણી કરતો હતો.

તારીખ ૧૩ મે ૨૦૨૫ના રોજ સવારે તે ઘરે આવ્યો હતો અને નાણાંની જરૂર હોવાનું કહી માતા પાસે રૂપિયા તથા દાગીનાની માંગણી કરી હતી. માતાએ માંગણી સ્વીકારવાનો ઇનકાર કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ઘરમાં તોડફોડ કરી હતી અને માતા સાથે મારઝૂડ કરી હતી. અને માતાનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં આરોપીએ ઘરના કબાટની ચાવી મેળવી અંદર રાખેલી આશરે ૫ લાખ રૂપિયાની રોકડ રકમ કાઢી લીધી હતી. સાથે જ બે સોનાની ચેઇન, બે કડા, ત્રણ વીંટીઓ, એક પેન્ડલ, એક લોકેટ અને સોનાના અન્ય દાગીના મળી અંદાજે દસ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ લઈ ગયો હતો. આરોપી પુત્રએ અગાઉ પણ રૂપિયા અને દાગીના પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ કોઈ વસ્તુ પરત આપી નહોતી. સતત ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને આખરે તેમણે પોતાના જ પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હતો.

કેશોદ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી દીપ પ્રદ્યુમ્નભાઈ વ્યાસની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પૂરતો સહકાર ન આપતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે.પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્વના ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

તપાસ મુજબ આરોપી અગાઉ વિદેશ જવા ઈચ્છતો હતો, પરંતુ તે શક્ય બન્યું નહોતું. ત્યારબાદ તેણે જૂનાગઢમાં ‘રજવાડી ચા’ નામનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધંધા માટે નાણાંની જરૂરિયાત અને આર્થિક સંજાગોને કારણે તેણે આ પ્રકારનો ગુનો આચર્યો હોવાની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી રહી છે તેમજ રોકડ રકમ, સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માતા-પુત્રના વિશ્વાસભર્યા સંબંધોને હચમચાવી મૂકે તેવી આ ઘટના સમગ્ર કેશોદ પંથકમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ માતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે, તો બીજી તરફ પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને કેટલો મુદ્દામાલ પરત મળે છે તે જાઉં રહ્યું.