ગુજરાતમાં  સાયબર  ક્રાઇમમાં ૩૦ ટકાનો ઉછાળો, ૯ મહિનામાં ૧૦૧૧ કરોડ લૂંટાયા

ગુજરાતમાં ડિજિટલ કનેકટીવિટી વધવાની સાથે-સાથે સાયબર ગુનેગારોની જાળ પણ વધુ મજબૂત અને ખતરનાક બની રહી છે. રાજ્યમાં સાયબર ક્રાઇમનો ગ્રાફ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે, જેમાં છેલ્લા ૫ વર્ષમાં ઇન્ટરનેટ ફ્રોડના કેસોમાં ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ દ્વારા સતત વધારવામાં આવી રહેલી તકેદારી તેમજ સરકારના અવેરનેસ કેમ્પેઈન છતાં, ડિજિટલ ઠગબાજા પોલીસની સિસ્ટમ કરતાં બે કદમ આગળ ચાલી રહ્યા છે. તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫ ના શરૂઆતના માત્ર ૯ જ મહિનામાં (સપ્ટેમ્બર સુધીમાં) સાયબર માફિયાઓએ ગુજરાતના ભોળા નાગરિકોને ખંખેરીને ૧૦૧૧ કરોડથી વધુની રકમ સેરવી લીધી છે.

ડેટા એનાલિસિસ દર્શાવે છે કે, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ માટે શેરબજાર અને ઘરબેઠા કમાણીના નામે થતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સૌથી વધુ નફાકારક સાબિત થઈ રહ્યા છે. ઊંચા વળતરની લાલચ આપીને માત્ર રોકાણ સંબંધિત સ્કીમોમાં જ ૯૨૪૦ નાગરિકો સાથે ૩૯૭ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, જ્યારે આ સિવાય ફેક આઈડી, ઓટીપી સ્કેમ અને ક્રેડિટ કાર્ડ બ્લોક થવાના બહાના હેઠળ અધિકારીઓની ઓળખ આપીને ૨૭,૮૧૬ પીડિતો પાસેથી ૧૩૭ કરોડ પડાવી લેવાયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુનાની ગતિ કેટલી ઝડપી બની છે તેનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. વર્ષ ૨૦૨૦માં રાજ્યમાં રોજના સરેરાશ ૧૫૫ સાયબર ફ્રોડના કોલ કે ફરિયાદો આવતી હતી, એટલે કે દર કલાકે અંદાજે ૬ કમ્પ્લેઇન નોંધાતી હતી, જે આંકડો વર્ષ ૨૦૨૫ માં આકાશને આંબી ગયો છે અને હવે રોજના સરેરાશ ૫૨૧ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનો અર્થ એ થયો કે દર એક કલાકે ૨૧ નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પાંચ વર્ષના સમગ્ર ગાળાની વાત કરીએ તો, કુલ ૪.૮૧ લાખ ફરિયાદો નોંધાઈ છે અને નાગરિકોએ કુલ મળીને ૩૩૮૭ કરોડની મોટી મૂડી ગુમાવી છે, જાકે, પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમ ૨૦૨૦ માં ?૭૦,૩૧૩ હતી, જે ૨૦૨૫ માં મામૂલી વધીને ?૭૧,૨૦૪ થઈ છે.

સાયબર એક્સપર્ટ્‌સના મતે, ગુનેગારોએ હવે પોતાની કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. તેઓ હવે ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન્સ, નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સને વધુ નિશાન બનાવી રહ્યા છે. સીબીઆઈ,કસ્ટમ્સ કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને ફોન કરવા અને ‘ડિજિટલ હાઉસ અરેસ્ટ’ ની ધમકી આપીને ડરાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો કાનૂની કાર્યવાહી અને જેલના ડરથી ગભરાઈને પોતાના આખી જિંદગીની જમાપુંજી આવા ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. પોલીસ અધિકારીઓ વારંવાર અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર ધરપકડ કે નાણાંની માંગણી કરતી નથી, તેથી જાગૃતિ જ આ ગુનાઓ સામેનું સૌથી મોટું હથિયાર છે.