અમદાવાદમા ઉનાળુ વેકેશનમાં સ્પીતિ-ચંદ્રતાલના સપના સાથે ૮ લાખથી વધુની છેતરપિંડી!

અમદાવાદના ગોતામાં લક્ઝુરિયસ પેકેજના નામે વધુ એક વાર પ્રવાસીઓ અટવાડી દીધાની ઘટના સામે આવી છે, પ્રવાસીઓ અનુસાર, કંપનીના સંચાલકોએ લક્ઝુરિયસ હોટેલ સ્ટે, સારું ટ્રાન્સપોર્ટેશન અને તમામ આધુનિક સુવિધાઓનું આકર્ષક આશ્વાસન આપીને ૩૦ સભ્યોના ગ્રુપ પાસેથી રૂપિયા ૮ લાખથી વધુની રકમ વસૂલ કરી હતી. જાકે, સ્પીતિ પહોંચ્યા બાદ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી નહોતી, જેના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

પ્રવાસીઓ અનુસાર તેઓએ ચંદ્રતાલ અને સ્પીતિ વેલીની ટુર માટે આ એજન્સીનો સંપર્ક કર્યો હતો. સંચાલકોએ વિગતવાર પેકેજ બતાવીને લક્ઝુરિયસ હોટેલ્સ, કમ્ફર્ટેબલ ટ્રાન્સપોર્ટ, મીલ્સ અને સુરક્ષિત મુસાફરીનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ સ્પીતિ પહોંચતાની સાથે જ વાસ્તવિકતા સામે આવી. કંપનીના સ્ટાફે કોઈ હોટેલ અથવા પ્રી-બુકિંગની વ્યવસ્થા કરી નહોતી. પ્રવાસીઓ જ્યારે વિરોધ કરવા ગયા ત્યારે ટુર ઓપરેટર્સે ઉદ્ધત વર્તન કર્યું અને મનમાની ચલાવી. અંતરિયાળ વિસ્તારમાં અટવાયેલા ૩૦ ગુજરાતી પ્રવાસીઓએ ભારે મુશ્કેલી સહન કરીને કોઈક રીતે પરત ફરવાની વ્યવસ્થા કરવી પડી.

અમદાવાદ પરત આવતાની સાથે જ રોષે ભરાયેલા પ્રવાસીઓએ ગોતા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સંચાલકો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.