કચલધરા ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ગ્રામસભામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી; પેશા એક્ટ હેઠળ મંજૂરી વિના કોઈ કાર્યવાહી ન કરવાની માંગ.

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના કચલધરા ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. જીઆઈડીસી માટે જમીન સંપાદન અને સર્વેની પ્રક્રિયા શ‚ થવાની ચર્ચાઓ વચ્ચે ગામમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી પ્રસ્તાવિત જીઆઈડીસીનો એકસ્વરે વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર જીઆઈડીસી માટે ગામના સર્વે નંબર-૩૨ની સરકારી પડતર જમીનનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનોનું કહેવું છે કે આ કામગીરી શ‚ કરતા પહેલા ગામની ગ્રામસભા કે સ્થાનિક લોકોની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માર્ગ માટે આદિવાસી ખેડૂતોની મોટી સંખ્યામાં જમીનો સંપાદિત કરવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ માટે પણ જમીનો આપવામાં આવી હતી. હવે બચેલી જમીન પર જીઆઈડીસી સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરાતા સ્થાનિકોમાં ભવિષ્ય અંગે ચિંતા વધી છે.

ગ્રામસભામાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, વારંવાર વિકાસના નામે જમીનો લેવામાં આવતાં આદિવાસી સમાજની જીવનશૈલી અને ખેતી આધારિત અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે. જમીન ગુમાવ્યા બાદ રોજગાર અને પુનર્વસનના પ્રશ્નો પણ યથાવત્ રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગ્રામસભામાં ગ્રામજનોએ પેશા PESA એક્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, અનુસૂચિત આદિવાસી વિસ્તારોમાં કોઈપણ પ્રોજેક્ટ, ઉદ્યોગ કે વિકાસ યોજના અમલમાં મૂકતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી કાયદેસર રીતે જ‚રી છે. સ્થાનિક લોકોના મત અને હિતને અવગણીને લેવામાં આવતા નિર્ણયો સ્વીકાર્ય નહીં હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોનું કહેવું છે કે, પ્રસ્તાવિત જીઆઈડીસીથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેની કોઈ સ્પષ્ટતા નથી, જ્યારે બહારથી આવનારા લોકો અને ઉદ્યોગોને તેનો લાભ મળવાની સંભાવના વધુ છે. તેથી સ્થાનિક હિતોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખાસ ગ્રામસભામાં ગામલોકોએ સર્વાનુમતે જીઆઈડીસીનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ભલે સર્વે માટે પસંદ કરાયેલી જમીન સરકારી પડતર હોય, પરંતુ તે કચલધરા ગામની હદ અને નકશામાં સમાવિષ્ટ છે અને ગામના સામૂહિક હિત સાથે જોડાયેલી છે. તેથી ગ્રામસભાની સંમતિ વિના કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.

મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સ્થાનિકોની લાગણીઓ અને જીવન સાથે જોડાયેલા પ્રશ્નોને અવગણીને વિકાસ યોજનાઓ લાદવામાં આવી રહી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

ગ્રામજનોએ અંતે ચીમકી ઉચ્ચારી હતી કે, સ્થાનિકોની મંજૂરી વિના જો જીઆઈડીસી સંબંધિત સર્વે કે અન્ય કાર્યવાહી આગળ વધારવામાં આવશે અને તેના કારણે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે.