વેકેશનમાં મામાના ઘરે આવેલી ધો.10ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ:સુરતમાં યુવકે ઈન્સ્ટાથી ફ્રેન્ડશિપ કરી સંબંધીના રૂમે લઈ જઈ કુકર્મ આચર્યું.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક સગીર વયના બાળકો માટે કેટલો જોખમી સાબિત થઈ શકે છે, તેનો ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. મામાના ઘરે વેકેશન ગાળવા આવેલી અમરેલીની ધોરણ 10ની એક 14 વર્ષીય વિદ્યાર્થિનીને ઈન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવેલા 24 વર્ષના યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. યુવકે સગીરાને અમરોલી સ્થિત એક રૂમ પર રાખી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

વેકેશન માણવા મામાના ઘરે આવી અને ગુમ થઈ મળતી માહિતી મુજબ, મૂળ અમરેલીની અને રત્નકલાકારની 14 વર્ષની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. 30 એપ્રિલ,2026ના દિવસે તે સુરતના વેડ રોડ વિસ્તારમાં તેના મામાના ઘરે ઉનાળુ વેકેશન માણવા માટે આવી હતી. આ દરમિયાન, ચાર દિવસ પહેલા બપોરના સમયે આ સગીરા કોઈને કંઈ પણ કહ્યા વગર અચાનક ઘર બહારથી ગુમ થઈ ગઈ હતી. મામાના પરિવારે આસપાસ અને સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ કરી હોવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. અંતે મામાએ આ અંગે અમરેલી રહેતા તેના માતા-પિતાને જાણ કરતા તેઓ પણ તાબડતોબ સુરત દોડી આવ્યા હતા.

ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ને દીકરી પણ પહોંચી દીકરીની કોઈ ભાળ ન મળતા ચિંતિત પરિવારજનો બે દિવસ પહેલા આ અંગે ગુમસુદાની ફરિયાદ નોંધાવવા માટે ચોકબજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવાર હજુ પોલીસ સ્ટેશનમાં હાજર જ હતો, તે જ સમયે ગુમ થયેલી 14 વર્ષની તરુણી અચાનક ત્યાં આવી પહોંચતા પરિવાર અને પોલીસ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તાત્કાલિક મામલાની ગંભીરતા સમજીને માતા-પિતાની હાજરીમાં જ સગીરાની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં આખી આપવીતી બહાર આવી હતી.

3 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થઈ વાતચીત પોલીસ સમક્ષ સગીરાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આશરે ત્રણ મહિના પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો પરિચય દીપક સોંદરવા (ઉં.વ. 24) સાથે થયો હતો. દીપક મૂળ અમરેલીના લીલીયા બોડીયાનો વતની છે અને છેલ્લા એક વર્ષથી સુરતના અમરોલી ગણેશપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રીનગર સોસાયટીમાં પોતાના ભાઈ સાથે રહે છે. ઈન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આ દરમિયાન તરુણીએ દીપકને જણાવ્યું હતું કે તે હાલ સુરતમાં તેના મામાના ઘરે આવી છે.

સોસાયટીના નાકેથી ભગાડી સંબંધીના રૂમ પર દુષ્કર્મ આચર્યું સગીરા સુરતમાં હોવાની જાણ થતા જ દીપકે તેને મળવાનો પ્લાન બનાવ્યો હતો. 25 મેના બપોરે દીપક સગીરાના મામાની સોસાયટીના નાકે તેને લેવા માટે પહોંચી ગયો હતો અને ત્યાંથી તેને ભગાડીને અમરોલીમાં તેના એક સંબંધીના રૂમ પર લઈ ગયો હતો. બપોરે સગીરાને રૂમ પર મૂકીને દીપક પોતે તબેલા પર નોકરીએ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ રાત્રે પરત ફરીને તેણે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

હોમગાર્ડ બનેવીની સતર્કતાથી આરોપી જેલભેગો થયો આ સમગ્ર મામલામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આરોપી દીપકના બનેવી, જેઓ હોમગાર્ડમાં નોકરી કરે છે, તેમને આ બાબતની જાણ થઈ. બનેવીને ખબર પડી કે દીપક કોઈ સગીરાને ભગાડીને લાવ્યો છે, જેથી તેમણે કાયદાનો આદર કરીને તાત્કાલિક તે તરુણીને ચોકબજાર પોલીસ સ્ટેશન મોકલી આપી હતી. આ હકીકતના આધારે ચોકબજાર પોલીસે દીપક સોંદરવા વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. આ કિસ્સો સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે તમામ માતા-પિતા માટે એક લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નજર રાખે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાંથી પિતા-પુત્રીનાં પવિત્ર સંબંધોને કલંકિત કરતી ચોંકાવનારી અને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. શ્રમિક મહિલાના બીજા પતિએ તેની 15 વર્ષીય સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી સગીરાને ધમકાવીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો. માતાની ફરિયાદના આધારે પાલોદ પોલીસે આરોપીની 28મેએ ધરપકડ કરી હતી.