
કેરળમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની તિરુવનંતપુરમમાં સ્થિત પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી સોના અને હીરાના દાગીના કથિત રીતે ગાયબ થવાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ કેસમાં પોલીસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મંદિરની કિંમતી સંપત્તિની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કઈ માહિતી બહાર આવી છે.
કેરળના ડીજીપીએ ગૃહ સચિવને એક રિપોર્ટ સુપરત કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ઇન્વેન્ટરીમાંથી આશરે ૭૮ ગ્રામ સોનાના દાગીના અને હીરા જડિત આભૂષણ, “વૈર્યમ નામ” ગુમ છે. રાજ્ય પોલીસ વડાએ ગૃહ સચિવને એક વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો છે, જેમાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
મંદિરના દસ્તાવેજામાં ખુલી માહિતી અનુસાર, “વૈર્યમ નામ” ઘણા મહિનાઓ પહેલા મંદિરમાંથી સમારકામ માટે દૂર કરવામાં આવ્યું હતું. જાકે, તે પરત કરવામાં આવ્યું નથી. તેવી જ રીતે, છ મહિના પહેલા મંદિરમાંથી સમારકામ માટે કાઢવામાં આવેલ સોનાનો દીવો પણ પાછો આપવામાં આવ્યો નથી.
ડીજીપીએ ગૃહ સચિવને સુપરત કરેલા રિપોર્ટમાં તમામ સોના અને ચાંદીની વસ્તુઓને સુરક્ષિત રૂમમાં સ્થાનાંતરિત કરવાની તેમજ ભક્તોના પ્રસાદને લોકરમાં સંગ્રહિત કરવાની ભલામણ કરવામાં આવી છે. મંદિર પરિસરની અંદર કડક સુરક્ષા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને ચકાસણી વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કેરળ ટુરિઝમ અનુસાર, શ્રી પદ્મનાભસ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેને વિશ્વના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરનો ઇતિહાસ ૮મી સદીનો છે. શ્રી પદ્મનાભસ્વામીને ભગવાન વિષ્ણુના ૧૦૮ પવિત્ર મંદિરોમાંના એક માનવામાં આવે છે, જેને ભારતના દિવ્ય દેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું સંચાલન ત્રાવણકોરના ભૂતપૂર્વ રાજવી પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.