
શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ થતું હોય છે. પરંતુ પોલીસ દ્વારા પણ નકલી ખાદ્ય ચીજ વસ્તુઓને લઈને ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિવિધ અલગ-અલગ પ્રકારની ડેરી અને દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરને સાથે રાખીને તપાસ કરતા મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ખાદ્ય માવાનો જથ્થો ઝડપાયો હતો. જેથી ધોરણસર નિયમોનું પાલન નહીં થતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય ત્યારે ખાદ્ય ચીજાના તપાસને લઈને પોલીસ પણ મેદાનમાં છે. ભાવનગર શહેરમાં એસઓજી પોલીસ દ્વારા મહુવા શહેરમાં આવેલી વિવિધ પ્રકારની ડેરી ફાર્મની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર એન.એસ.સરવૈયાને સાથે રાખવામાં આવ્યા હતા
મહુવા શહેરમાં ચાર જેટલી દુકાનોમાં પોલીસે તપાસ કરતા આરોગ્ય વિભાગના નિયમોનું જાહેર ઉલ્લંઘન અને ખાદ્ય માવાનો જથ્થો શંકાસ્પદ મળી આવતા ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજી પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહુવા શહેરમાં નેસવડ ચોકડી પાસેથી રામકૃષ્ણ ડેરી ફાર્મમાંથી ૫૩,૪૬૦ કિંમતનો ૨૯૭ કિલો માવો મળી આવ્યો હતો. જ્યારે મહુવા લાતી બજાર આવેલી મધુરમ ડેરીમાંથી ૩૪,૪૦૦ની કિંમતનો ૮૬ કિલોગ્રામ માવો મળ્યો. આ ઉપરાંત લાતી બજારમાં આવેલી શ્રીરામ ડેરીમાંથી ૧,૮૨,૮૮૦ કિંમતનો ૫૦૮ કિલો અખાદ્ય માવો અને મહુવા ગાંધીબાગ સ્થિત ગૌતમ ડેરીમાંથી ૯૮,૩૪૦ની કિંમતનો ૨૯૮ કિલો માવો મળી આવ્યો.
આમ કુલ ૧,૧૮૯ કિલો માવો કે જેની કિંમત ૩,૬૯,૮૦ થવા જાય છે, તે શંકાસ્પદ મળી આવતા અને આરોગ્ય વિભાગના નિયમોના પાલન અનુસાર નહીં હોવાને પગલે તેનો નાશ કરવામાં આવ્યો હતો.
એસ.ઓ.જી વિભાગે ફૂડ સેફટી ઓફિસરને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. ત્યારે આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે અસ્વચ્છ સ્થિતિમાં માવો રાખવામાં આવ્યો નોહતો. ત્યારે ખોટી રીતે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, તેમજ તેનું ઉત્પાદન માટેની પદ્ધતિનું પાલન નહીં કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું છે. આથી તમામ માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તમામ ઝડપાયેલા માવાનો જમીનમાં દાટીને નાશ કરવામાં આવ્યો હતો.