જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નીતિ આયોગ દ્વારા સૂચવેલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના આધારે દાહોદ જીલ્લાના ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતા લોકોના જીવનમાં સુધારો કરી તેમને આગળ લાવવા માટે વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે લોકોના આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને લોકોના જીવનધોરણ પર વિશેષ કાર્યો કરવા જેવા કે, પોષણ વધારવા અને બાળ મૃત્યુદર ઘટાડવા, મહિલાઓની પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સંભાળ, પોષણ અભિયાન, શાળાના માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા અને કૌશલ્ય-આધારિત શિક્ષણ તરફ આગળ લાવવા, સ્વચ્છતા, કુકિંગ ફ્યુલ, સેનિટેશન, પીવાનું પાણી, રસોઈ ઇંધણ અને વીજળીની સુલભતા વધારો કરવો તેમજ લોકોમાં તમામ બાબતો પ્રત્યે જાગૃતી લાવવા માટે કાર્યક્રમોનું આયોજન સહિત નાગરિકોની ભૌતિક સુવિધાઓમાં વધારો અને લોકોના સુખાકારી જીવન માટે તમામ વિભાગ તરફથી વિકાસ લક્ષી કાર્ય કરવા માટે જીલ્લા કલેક્ટરએ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના અભિપ્રાય મેળવી આવનાર સમયમાં કામ કરવા માટે જરૂરી સલાહ સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, અધિક નિવાસી કલેક્ટર જે. એમ રાવલ, સહિત સંકલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.