સાયબર ક્રાઇમ બ્રાન્ચ એઆઇ જનરેટેડ વીડિયો દ્વારા છેતરપિંડી કરતી ગેગ ઝડપી

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એઆઇ જનરેટેડ વીડિયો અને આધાર ડેટાનો દુરુપયોગ કરીને ઠગાઈ કરતી ગેંગનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીના આધારકાર્ડ સાથે જાડાયેલ મોબાઈલ નંબર બદલીને ઓટીપી બાયોમેટ્રિક અને અન્ય માહિતી મેળવી ફ્રોડ કર્યો હતો.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ વિવિધ સોર્સમાંથી વ્યક્તિગત માહિતી ડાઉનલોડ કરી અને  સહિતની ઓનલાઇન સેવાઓમાં લોગિન મેળવી ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ફેરફાર કર્યા હતા. ત્યારબાદ ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી અને લોન લેવા માટે પ્રયાસો કર્યા હતા. આ ગેંગે સીઆઇબીઆઇએલ રિપોર્ટમાં પણ ચેડાં કરીને વિવિધ ફાઇનાન્સ એપ્સ મારફતે પર્સનલ લોન માટે ઇન્ક્‌વાયરી કરી હતી.

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ ગેંગ સાથે જાડાયેલા અન્ય લોકો વિશે તપાસ આગળ ધપાવી રહી છે. પકડાયેલા આરોપીઓમાં કનુભાઈ પરમાર (ઉ.વ. ૩૨), આશિષ વાળંદ (ઉ.વ. ૨૭), મોહમ્મદ કૈફ પટેલ (ઉ.વ. ૨૬) અને દીપ ગુપ્તા (ઉ.વ. ૨૯)નો સમાવેશ થાય છે. આ તમામ અલગ-અલગ જગ્યાએ રહેતા હોવા છતાં એક ગોઠવાયેલ ગેંગ તરીકે કામ કરતા હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કનુભાઈ પરમાર આધાર કાર્ડની કીટ ઉપલબ્ધ કરાવતા અને તે બદલ કમિશન મેળવેતા હતા. આશિષ વાળંદ આ કીટનો ઉપયોગ કરીને અન્ય સાગરીતોને આપતા અને સમગ્ર પ્રક્રિયાને સંકલિત કરતા હતા.

મોહમ્મદ કૈફ પટેલ આ ગેંગનો મુખ્ય ટેકનિકલ સભ્ય હતો. તે એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પીડિતના ફોટાથી આંખ ઝબકાવતો વિડિયો બનાવતો અને તેનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશન સિસ્ટમને ભુલાવતો હતો. ત્યારબાદ આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલી નાખવામાં આવતો.

દીપ ગુપ્તા પીડિતોની માહિતી, જેમ કે આધાર નંબર, મોબાઇલ નંબર અને ફોટો એકત્રિત કરીને અન્ય આરોપીઓને પહોંચાડતો અને કામ પૂર્ણ થયા બાદ કમિશન મેળવેતો હતો.

આ કેસમાં મુખ્ય આરોપી આશિષ વાળંદ સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો. પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની સંભાવના છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને પોતાની વ્યક્તિગત માહિતી કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થા સાથે શેર ન કરવા જણાવ્યું છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.