જુનાગઢ,
વર્ષો પહેલા થયેલી પિતાની હત્યાનું વેર વાળવા દીકરાએ ખુલ્લા પગે ચાલવાની માનતા રાખી હતી. આરોપીએ પિતાની હત્યાનો બદલો હત્યાથી લીધો છે. આ કોઈ વેબ સિરીઝ કે ફિલ્મની સ્ટોરી નથી. પરંતુ જૂનાગઢના વંથલીમાં થયેલી હત્યાના આરોપી લતીફ સાંધની વાત છે. ઘટનાની વાત કરીએ તો મૃતક યુવાન સલીમ અને તેના સાગરીતોએ આરોપી યુવાન લતીફ સાંધના પિતાની ૮ વર્ષ પહેલા વાડલા ફાટક નજીક હત્યા કરી હતી.
આ હત્યાનો બદલો આરોપી યુવાને ધુળેટીની રાત્રે રવની ગામે લીધો હતો અને પોતાના અન્ય સાથી સાથે મળી રવની ગામમાં રાત્રિના સુમારે ધડાધડ ગોળીઓ મારી સલીમ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાને અંજામ આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જોતજોતામાં લોકોના ટોળા ઉમટ્યા અને હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી વંથલી તાલુકાના ટીકર ગામેથી હત્યાના મુખ્ય આરોપી લતીફ અબ્દુલ સાંધ અને તેના મિત્ર મુસ્તાક હનીફ ઉર્ફે મોહમ્મદ અલી દલની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે સલીમની રેકી કરી હતી અને ધુળેટીના દિવસે જ તેને મોતને ઘાટ ઉતારવા માટે કાવતરૂ રચ્યું હતુ.