આજે જુનાગઢ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું પરિણામ જાહેર થશે, ૧૦ કેન્દ્ર પર મત ગણતરી હાથ ધરાશે

જિલ્લા પંચાયતની ૩૦ જુનાગઢ સહિત જિલ્લાની ૯ તાલુકા પંચાયતોની ૧૫૮ અને કેશોદ નગરપાલિકાની ૯ વોર્ડની ૩૫ બેઠકો પર ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે જિલ્લામાં ૯ અલગ અલગ ગણતરી કેન્દ્ર પર જિલ્લા તાલુકા અને કેશોદ નગરપાલિકાના મતોની ગણતરી થશે, બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધીમાં તમામ મતગણતરી પૂરી થાય અને પરિણામો જાહેર થવાની શકયતાઓ છે.

ગઈકાલે જુનાગઢ જિલ્લા પંચાયત જિલ્લાની ૯ તાલુકા પંચાયત ૧૫૮ અને કેશોદ નગરપાલિકાની ૩૫ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખી દેવામાં આવ્યા છે. આવતીકાલે સવારે ૯ઃ૦૦ કલાકે એક સાથે જિલ્લામાં ઊભા કરવામાં આવેલા ૯ અલગ અલગ મત ગણતરી કેન્દ્ર પર જૂનાગઢ જિલ્લા પંચાયત જિલ્લાની ૯, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના મતોની ગણતરી શરૂ થશે.

પહેલા તમામ મત ગણતરી કેન્દ્ર પર પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ઇવીએમના મતોની ગણતરી થશે. જે બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થાય અને ત્યારબાદ મોટાભાગના પરિણામો જાહેર થાય તેવી પણ પૂરી શક્્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

જુનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતના મતોની ગણતરી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગમાં કરવામાં આવશે. વંથલી તાલુકા અને જિલ્લા પંચાયતની ગણતરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માણાવદર રોડ વંથલી ખાતે થશે. એવી જ રીતે માણાવદર તાલુકાના તમામ મતોની ગણતરીલાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના મીટીંગ હોલમાં હાથ ધરાશે.

આ સિવાય વિસાવદર તાલુકા અને જિલ્લા પંચાયતની ગણતરી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ રોડ વિસાવદર ખાતે હાથ ધરાશે. ભેસાણ તાલુકાની તમામ ગણતરી કે જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોનો સમાવેશ થાય છે તેની મત ગણતરી સરકારી વિનયન કોલેજ ભેસાણ ખાતે થશે. મેંદરડા તાલુકા અને જિલ્લા પંચાયતની ગણતરી આલીધ્રા રોડ પર આવેલા આઇટીઆઇમાં થશે.

માળીયા હાટીના તાલુકા અને જિલ્લાની મત ગણતરી આઈટીઆઈ માળીયા હાટીના તેમજ કેશોદ તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી આદર્શ નિવાસી શાળા માંગરોળ રોડ કેશોદ અને કેશોદ નગરપાલિકાની મતગણતરી તાલુકા સેવા સદનના બીજા માટે આવેલા કોન્ફરન્સ રૂમમાં કરવામાં આવશે. આ સિવાય માંગરોળ જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ ગણતરી એમ. એન કંપાણી આર્ટસ એન્ડ એ. કે. શાહ કોમર્સ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે.