આપણે ક્યાં ખામી રાખી તે વિચારવું પડશે”, સુરતમાં કુમાર કાનાણીએ આપ પર આકરા પ્રહાર કર્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે નેતાઓ હવે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા લાગ્યા છે. ત્યારે આમઆદમી પાર્ટીને લઈને કુમાર કાનાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વરાછા વિસ્તારમાં વોર્ડ નંબર ૫ ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. કુમાર કાનાણીએ સ્વીકાર્યું હતું કે ભાજપની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં ક્્યાંક કમી રહી ગઈ છે, જેના કારણે વિરોધ પક્ષ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો છે.

કાનાણીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની કામગીરી ગણાવતા કહ્યું કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ હજારો બાળકો ખાનગી શાળાઓમાં મફત ભણી રહ્યા છે. સરકાર ફ્રી બેગ અને જમવાનું પણ આપે છે, છતાં વિરોધ પક્ષ મફત શિક્ષણના નામે લોકોને ભ્રમિત કરી રહ્યો છે. ‘આપ’ મફત સારવારના વાયદા કરે છે, પણ વાસ્તવમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર માં કોણ પૈસા લે છે? સરકાર ‘મા કાર્ડ’ અને ‘આયુષ્માન કાર્ડ’ હેઠળ મફત સારવાર આપી જ રહી છે, પણ આ વાત આપણે લોકોના મન સુધી ઉતારી શક્યા નથી.

વરાછામાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કાર્યકરોને સંબોધતા કાનાણીએ કહ્યું હતું કે, ગંભીરતાથી આપણે વિચારવું પડશે કે આપણી ખામી ક્યા રહી ગઈ. આમ આદમી પાર્ટીએ લોકોને ખોટી વાતો કરી ગેરમાર્ગે દોર્યા, પરંતુ આપણે આપણી સાચી વાતો અને કરેલા કામો લોકો સુધી મજબૂતીથી પહોંચાડી શક્યા નથી.

કુમાર કાનાણીએ આપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “આ લોકો દારૂના અડ્ડા ચલાવો છો તેમ કહીને હપ્તા ઉઘરાવે છે. હપ્તો નક્કી થઈ જાય એટલે આંદોલન બંધ કરી દે છે. બાંધકામની અરજીઓના નામે પણ હપ્તા માંગવામાં આવે છે. આખું વર્ષ ભ્રષ્ટાચાર કરીને હવે તેઓ સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે જા મેં કોઈ કામ માટે એક રૂપિયો પણ માંગ્યો હોય તો હું આજે જ રાજીનામું આપવા તૈયાર છું. હું પૂરી ઈમાનદારીથી કામ કરું છું અને આપણે વટથી મત માંગવાના છે.

વરાછાના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં વિરોધ પક્ષની કોઈ જરૂર નથી. ભાજપ શાસનમાં જે વિકાસ થયો છે તે લોકોની સામે છે, બસ જરૂર છે તો માત્ર જનતાને વિરોધ પક્ષના ભ્રામક પ્રચારથી બચાવવાની…!!!