
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્તના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ જ તંત્રની એક અત્યંત ગંભીર બેદરકારી વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી સામે આવી છે. અહીં ચૂંટણી સમયે જ દેહરી બેઠકની મતદાર યાદીમાંથી એકસાથે ૧૪૦૦ થી વધુ મતદારોના નામ ગાયબ થઈ જતા સ્થાનિક રાજકારણમાં અને મતદારોમાં ભારે હોબાળો મચી ગયો છે.
મતદાન એ લોકશાહીનો સૌથી મોટો અધિકાર છે, પરંતુ તંત્રના છબરડાના કારણે દેહરી ગ્રામ પંચાયત હેઠળ આવતા ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી વિસ્તારના નાગરિકોના નામો મતદાર યાદીમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કોઈ એક-બે નહીં, પરંતુ અંદાજે ૧૪૦૦ થી વધુ મતદારોના આખા વોર્ડના નામો જ યાદીમાંથી ગાયબ છે.જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. દેહરી બેઠકના આ ૧૪૦૦ જેટલા મતદારોના નામ ભૂલથી અન્ય વિસ્તારની યાદીમાં ઘૂસી ગયા છે. આ તમામ નામો દહાડ-૩ તાલુકા પંચાયતની મતદાર યાદીના ભાગ નંબર ૪ અને ૫ માં જાવા મળ્યા છે. આટલી મોટી સંખ્યામાં નામોનું સ્થળાંતર થવું એ ચૂંટણી શાખાની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે. મતદાર યાદીમાં થયેલા આ મોટા ગોટાળા બાબતે દેહરી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. લોકોના મતાધિકાર છીનવાઈ જવાની આ ગંભીર ફરિયાદ મળતા જ વહીવટી તંત્ર અને ચૂંટણી શાખામાં ભારે દોડધામ મચી ગઈ છે.