
અત્યાર સુધી, વિદેશી નેતાઓ વિપક્ષના નેતાને પણ મળવાની પરંપરા રહી છે,અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન પણ આવું જ હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે સરકાર પોતાની અસુરક્ષાને કારણે વિદેશથી આવેલા મહાનુભાવોને વિપક્ષના નેતાને ન મળવાનું કહે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે ભારત આવવાના છે તેના થોડા કલાકો પહેલા આવ્યું હતું
લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અત્યાર સુધી, વિદેશી નેતાઓ વિપક્ષના નેતાને પણ મળવાની પરંપરા રહી છે. (ભૂતપૂર્વ વડા પ્રધાનો) અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન પણ આવું જ હતું. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિદેશી નેતાઓ વિપક્ષના નેતાને મળવાની પરંપરા છે. વાજપેયીના સમયમાં અને મનમોહન સિંહના સમયમાં પણ આવું જ હતું. પરંતુ આજકાલ, સરકાર વિદેશી નેતાઓને મને ન મળવાનું કહે છે. જ્યારે આપણે વિદેશ જઈએ છીએ ત્યારે પણ આવું જ થાય છે. આપણને સંદેશ મળે છે કે સરકારે કહ્યું છે કે, ’મને ન મળો.’
તેમણે કહ્યું કે વિપક્ષના નેતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ બેઠકો વિદેશી નેતાઓને એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. જોકે, સરકાર વિદેશી નેતાઓ વિપક્ષને મળે તેવું ઇચ્છતી નથી. તેમણે કહ્યું, આ એક પરંપરા છે, પરંતુ મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરતા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સરકાર આવું કેમ કરે છે, ત્યારે તેમણે કહ્યું, તે તેમની અસુરક્ષાને કારણે છે.રાહુલ ગાંધીએ કહ્યું, વિદેશથી આવનાર કોઈપણ વ્યક્તિ વિપક્ષના નેતા સાથે મુલાકાત કરે છે, અને આ દેશની પરંપરા રહી છે. પરંતુ આજકાલ, જ્યારે વિદેશી મહાનુભાવો અહીં આવે છે અથવા જ્યારે હું બહાર જાઉં છું, ત્યારે સરકાર તેમને વિપક્ષના નેતાને ન મળવાની સલાહ આપે છે. તેથી, આ તેમની નીતિ છે.
તેમણે વધુમાં કહ્યું કે તેઓ દર વખતે આવું કરે છે. અમારા બધા સાથે સંબંધો છે. અમે પણ દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ; ફક્ત સરકાર જ પ્રતિનિધિત્વ કરતી નથી. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના સભ્યો બહારના લોકો સાથે મળે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી આ નિયમનું પાલન કરતા નથી કારણ કે તેમને અસુરક્ષાની ભાવના છે.
વિપક્ષના નેતાની વિદેશી મહાનુભાવો સાથેની મુલાકાતોનો ઉલ્લેખ કરતા, રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારની સામાન્ય નીતિ વિપક્ષના નેતા સાથે મુલાકાત કરવાની રહી છે. વિપક્ષના નેતા સાથે મુલાકાતો પહેલા સુનિશ્ર્ચિત હતી.
પુતિન આજે સાંજે ભારત પહોંચ્યા છે અને શુક્રવારે વડા પ્રધાન મોદી સાથે શિખર બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા, ભારત-રશિયા વેપારને બાહ્ય દબાણથી બચાવવા અને નાના મોડ્યુલર રિએક્ટર પર સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
રાહુલ ગાંધીના આરોપ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, આ ખૂબ જ વિચિત્ર છે. એક પ્રોટોકોલ છે, અને બધા મુલાકાતી મહાનુભાવો વિપક્ષના નેતાને મળે છે. સરકાર આ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહી છે, અને તેમની બધી નીતિઓ તેના પર આધારિત છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈ બોલે. તેઓ નથી ઇચ્છતા કે બીજા કોઈનો અભિપ્રાય સાંભળવામાં આવે. તેમણે લોકશાહીના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. ભગવાન જાણે છે કે તેઓ શેનો ડર રાખે છે. લોકશાહીમાં, દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ, ચર્ચા થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. સરકાર અસુરક્ષિત છે, અને આ નિર્ણય તેનું પ્રતિબિંબ છે. આ પ્રોટોકોલ તોડીને અને ઉલટાવીને તેમને શું મળશે? આ તેમની અસુરક્ષા છે. વિશ્ર્વમાં લોકશાહીની છબી કલંક્તિ થઈ છે.
કોંગ્રેસના અન્ય સાંસદ શશિ થરૂરે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો કે વિપક્ષના નેતાને મુલાકાતી મહાનુભાવોને મળવાની મંજૂરી નથી. તેમણે કહ્યું, વિપક્ષના નેતાએ વાત કહી છે, અને મને લાગે છે કે સરકારે આનો જવાબ આપવો જોઈએ.
શશિ થરૂરે વધુમાં કહ્યું, લોકશાહીમાં, મુલાકાતી મહાનુભાવો દરેકને મળે તો સારું રહેશે. મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ મુલાકાત છે, અને આપણા દેશને નિ:શંકપણે રશિયા, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો જાળવવાની જરૂર છે. આપણે એ સ્વીકારી શક્તા નથી કે એક સંબંધ બીજા સંબંધના સ્વભાવ દ્વારા નક્કી થાય.