કોરોનામાં મૃત્યું પામેલા વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ કરી ચલાવાતું હતું ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ!

થાનના ગૂગલિયાણામાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરવામાં આવતું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. પાંચ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા લીઝ ધારક હસુભાઈ સચદેવ નામના વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ કરવામાં આવતા હતા. મૃતક વ્યક્તિના નામે ઇશ્યુ કરેલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અન્ય સાયલા તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલ કાઢી તેમાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન કુલ ૭૭૪ રોયલ્ટી પાસ મળી આવતા મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. આ અંગે નાયબ કલેક્ટર દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ, જેસીબી સહિત રૂપિયા ૭૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાન મામલતદારની ટીમે ગૂગલિયાણા ગામમાં આવેલી ‘કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ’ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવના નામે ઇશ્યુ થયેલા ૭૭૪ રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે, હસમુખભાઈનું પાંચ વર્ષ પહેલા એટલે ૨૦૨૧માં જ મૃત્યું થઈ ચૂકવ્યું છે. તેમ છતાં તેમના નામે હજુ પણ પાસ ઇશ્યુ કરીને ખનીજ ચોરીને કાયદેસરનું રૂપ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિક કૌશિક ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું છે કે, સાયલા અને થાન પંથકની ગેરકાયદેસર ખાણોમાં આ રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. ખોટા દસ્તાવેજા બનાવી સરકારી આવકને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

રેડ દરમિયાન તંત્રએ સ્થળ પરથી લોડર, જેસીબી, ડમ્પર, ક્રશર પ્લાન્ટ અને કાર્બોસેલનો મોટો જથ્થો મળી કુલ રૂ.૭૮.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં માહિતી આવી છે કે, કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ જાદવ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ ચલાવી સરકારી તિજારીને મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હતું. સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખા જેવા વિસ્તારોની ગેરકાયદેસર ખાણોમાંથી કોલસો કાઢી, આ બોગસ પાસના આધારે તેને વેચવામાં આવતો હતો. હાલમાં ખાણ-ખનીજ ધારા હેઠળ બંને માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.