મહીસાગર જીલ્લાને કુપોષણમુક્ત બનાવવા જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ‘પોષણ સંગમ’ કાર્યશાળા યોજાઈ

આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના સુદ્રઢ સંકલનથી મહીસાગરને કુપોષણમુક્ત કરાશે: જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ.

મહીસાગર જીલ્લાના બાળકોના પોષણ સ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા અને ’પોષણ સંગમ’ (C-MAM/EGF) કાર્યક્રમની અમલવારીને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાના હેતુથી લુણાવાડાની ફોર સિઝન હોટેલ ખાતે જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, આઈ.સી.ડી.એસ. (ICDS) અને આરોગ્ય વિભાગ વચ્ચેના પરસ્પર સંકલન (Convergence) દ્વારા જ મહીસાગરને સંપૂર્ણ કુપોષણ મુક્ત કરી શકાશે. તેમણે છેવાડાના કુપોષિત બાળકો સુધી પહોંચવા માટે અસરકારક માળખું ઊભું કરવા, ક્ષેત્રીય સ્ટાફના ક્ષમતા વર્ધન અને અત્યાર સુધીના સફળ કેસોની સાફલ્યગાથાઓ માંથી શીખવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ કાર્યશાળામાં જીલ્લાની અત્યાર સુધીની કામગીરીનીઆંકડાકીય સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માર્ચ ૨૦૨૫ થી ઓગસ્ટ ૨૦૨૫ (બેચ-૧) દરમિયાન નોંધાયેલા ૮,૮૨૪ કુપોષિત બાળકોમાંથી ૫,૨૨૩ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી ૫૯% ની શ્રેષ્ઠ રિકવરી હાંસલ કરાઈ છે. જ્યારે બેચ-૨ માં ૧૨,૯૯૨ બાળકોના ભારણ સામે ૬,૦૯૨ બાળકોમાં સફળતાપૂર્વક સુધારો નોંધાયો છે. આગામી માર્ચ ૨૦૨૬ થી મે ૨૦૨૬ (બેચ-૩) ના અંત સુધીમાં જીલ્લામાં ૧૦,૧૨૪ બાળકોના ભારણ સામે ૮૦% ઘટાડા સાથે ૮,૦૯૯ બાળકોને કુપોષણ મુક્ત કરવાનો સઘન લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ડેટાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ બાદ નબળી કામગીરી ધરાવતા અને વધુ ભારણ ધરાવતા બાલાસિનોર, ખાનપુર, લુણાવાડા-૧ અને સંતરામપુર-૨ જેવા તાલુકાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અને ત્યાં સઘન મોનિટરિંગ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

કાર્યશાળામાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયાર અને માસ્ટર ટ્રેનર્સ વર્ષાબેન પગી, જાગૃતિબેન જાદવ તથા પૂજાબેન મહેતા દ્વારા ’પોષણ સંગમ’ કાર્યક્રમના ૧૦ પગલાં અને ૩ મુખ્ય તબક્કાઓ (ઓળખ-તપાસ, સારવાર-પોષણ અને ફોલો-અપ/ડિસ્ચાર્જ) અંગે વિસ્તૃત ટેકનિકલ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. અતિ કુપોષિત (જઅખ) અને મધ્યમ કુપોષિત (MAM/SUW) બાળકોને તેમની શ્રેણી મુજબ ટેક હોમ રાશન (ઝઇંછ), ગરમ નાસ્તો અને ભોજન, ફળ તથા ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ દૂધ પૂરૂપાડવા અંગેની વ્યવસ્થાની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપાતી દવાઓ જેવી કે એમોક્સિસિલિન, વિટામિન-એ, ઝીંક સિરપ, આયર્ન અને ફોલિક એસિડ વગેરેના તબીબી વ્યવસ્થાપન વિશે પણ માહિતગાર કરાયા હતા.

આ કાર્યશાળામાં જીલ્લા આર.સી.એચ. ઓફિસર, મેડિકલ ઓફિસરઓ, સીડીપીઓ (ઈઉઙઘ), મુખ્યસેવિકાઓ અને બ્લોક કો-ઓર્ડિનેટરઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને મહીસાગર જીલ્લાને કુપોષણ સામેની લડતમાં અગ્રેસર બનાવવા માટે સક્રિયપણે ભાગ લીધો હતો.