ઝાલોદ પોલીસ રામયાત્રા પૂર્વે એક્શન મોડમાં, નગરમાં ફૂટ માર્ચ સાથે ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ

ઝાલોદ નગરમાં આવનારી રામયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. ડી.વાય.એસ.પી ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ ફૂટ માર્ચ યોજાયો હતો, જેમાં પી.આઈ રવિ ગામીત સહિત પોલીસ સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો.

આ ફૂટ માર્ચનો મુખ્ય હેતુ નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ નાગરિકોમાં સુરક્ષાનો વિશ્ર્વાસ ઉભો કરવાનો રહ્યો હતો. પોલીસ દ્વારા રામયાત્રા પસાર થનારા તમામ માર્ગોનું સુક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી, ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઝાલોદ પોલીસે રામયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવો ન બને તે માટે આધુનિક તકનીકોનો પણ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બોડી કેમેરા, ડ્રોન કેમેરા તેમજ સાદા વેશમાં પોલીસને તૈનાત રાખી સમગ્ર યાત્રા પર ચુસ્ત નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત, યાત્રાના માર્ગો પર આવેલા દબાણો (એન્ક્રોચમેન્ટ) દૂર રહે તે માટે વેપારીઓ અને દુકાનદારોને આગોતરા સૂચનાઓ આપવામાં આવી છે. માર્ગો ખુલ્લા અને સુગમ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રામયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ જ‚રી પગલાં લેવામાં આવ્યા છે અને નાગરિકોએ પણ સહકાર આપવો જ‚રી છે. ઝાલોદ નગરમાં પોલીસની આ સજાગ કામગીરીને કારણે રામયાત્રા નિરાંતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.