મોડી રાત્રે અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, ૨૫ વર્ષના હિતેશનું અજાણ્યા શખ્સે ઢીમ ઢાળી દીધું

અમદાવાદના વાસણા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભરવાડ વાસ વિસ્તારમાં રાત્રે અંદાજે ૨ઃ૦૦ થી ૨ઃ૩૦ વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો.

અજાણ્યા યુવકે ૨૫ વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને છરીના ઘા મારીને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હિતેષ તરીકે થઈ છે. બનાવ બાદ આરોપી તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જેને કારણે પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે.

પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા  કેમેરાની ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી આરોપીની ઓળખ મેળવી શકાય. ઉપરાંત, આરોપીને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવીને શોધખોળ તેજ કરવામાં આવી છે.

સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતા નો માહોલ જાવા મળી રહ્યો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ માહિતી મળી આવે તો તાત્કાલિક જાણ કરવાની વિનંતી કરી છે.