હાલોલ પાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું : સ્વ-સહાય જૂથની મહિલાઓએે ઉત્પાદિત વસ્તુનું વેચાણ કર્યું

હાલોલ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની શહેરી વિકાસ ઉજવણીના ભાગ‚પે ‘વોકલ ફોર લોકલ’ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલ નગરમાં બસ સ્ટેન્ડ સામે આવેલા અયોધ્યાપુરી ગ્રાઉન્ડ ખાતે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સ્વ-સહાય જૂથની મહિલાઓ અને અન્ય મંડળીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું.

મેળામાં અસંખ્ય સ્વદેશી સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ઘર ઉપયોગી વસ્તુઓ, ખાણીપીણીની વસ્તુઓ અને અન્ય અવનવી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપલબ્ધ હતી. હાલોલ નગર તેમજ આસપાસના વેપારીઓએ આ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ મેળાનું ઉદ્ઘાટન હાલોલ તાલુકાના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મયુરધ્વજસિંહ પરમાર, હાલોલના ડી.વાય.એસ.પી. ડી.જે. રાઠોડ, પી.આઈ. જાડેજા, હાલોલ મામલતદાર, હાલોલ ભાજપ શહેર પ્રમુખ અને પક્ષના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખો, ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યો અને હાલોલ શહેરના મોટી સંખ્યામાં રહીશો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પકુંજ અને શાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલોલ નગરપાલિકાના પ્રમુખે ઉદ્બોધન કર્યું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પોતાના સંબોધનમાં સરકારના આ અભિગમને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને તેનો વ્યાપક પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૌને પોતપોતાના વિસ્તારમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને વાપરવા માટે અપીલ કરી હતી.

અંતમાં, ધારાસભ્યએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેની જાણકારી મેળવી હતી. તેમણે ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ’વોકલ ફોર લોકલ’ મંત્રને સાકાર કરવા માટે જાહેરમાં સૌને અપીલ કરી હતી.