સતત આઠમા મહિને ૧૪ કિલોવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી

દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી તારીખે કેટલીક ચીજોના ભાવમાં ફેરફાર થયો છે. સરકાર અને ઓઈલ કંપનીઓ તરફથી થતા આ ફેરફાર તમારા ખિસ્સાને અસર કરી શકે છે. દર વખતની જેમ આ વખતે પણ એટલે કે પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ કોમશયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની રાહ જોઈ બેઠેલા લોકોને ઝટકો લાગ્યો છે. સતત આઠમો મહિનો છે કે ૧૪ કિલોવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. ઓઈલ કંપનીઓએ ૧ ડિસેમ્બરથી કોમશયલ સિલિન્ડર વાપરતા લોકોને રાહત આપતા ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ૮૫૩ રૂપિયા પર યથાવત છે. કોલકાતામાં સિલિન્ડરનો રેટ ૮૭૯ રૂપિયા, મુંબઈમાં ૮૫૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૬૮.૫૦ રૂપિયા છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લે ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયા બાદ ૧ ડિસેમ્બરથી રાજધાની દિલ્હીમાં કોમશયલ ગેસ સિલિન્ડર ૧૫૮૦.૫૦ રૂપિયામાં મળશે. અગાઉ તેના માટે ૧૫૯૦.૫૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. આ ઉપરાંત કોલકાતા, મુંબઈ, ચેન્નાઈમાં પણ કોમશયલ સિલિન્ડરના બાટલાના ભાવમાં ફેરફાર થયો છે.

મુંબઈમાં ૧૫૪૨ રૂપિયાની જગ્યાએ આજથી કોમશયલ એલપીજી સિલિન્ડર ૧૫૩૧.૫૦ રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં હવે આ સિલિન્ડર ૧૭૫૦ રૂપિયાની જગ્યાએ ૧૭૩૯.૫૦ રૂપિયામાં પડશે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ તરફથી ભાવમાં સવારે ૬ વાગે ફેરફાર થાય છે. બીજી બાજુ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓઈલ કંપનીઓએ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. છેલ્લે ઓઈલ કંપનીઓએ ૧૪ કિલોવાળી સિલિન્ડરના ભાવમાં ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઘટાડો કર્યો હતો.

દેશમાં હાલ લગભગ ૩૩ કરોડ એલપીજી કનેક્શન છે. જેમાંથી ૧૦.૩૩ કરોડ ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગ્રાહકો છે. જે હેઠળ ગરીબોને સિલિન્ડર ૩૦૦ રૂપિયાની સબસિડી પર મળે છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં સરકાર તરફથી ચાલતી યોજનાના પગલે ત્યાં ૧૦ ટકા ઉજ્જવળા યોજનાના લાભાર્થી છે.

ઓઈલ કંપનીઓ તરફથી હવાઈ ઈંધણના નવા રેટ પણ ૧ ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યા છે. ૧ ડિસેમ્બરથી ફેરફાર બાદ હવે હવાઈ ઈંધણ ૮૬૪.૮૧ ડોલર પ્રતિ કિલોલીટર થયું છે. આ ઉપરાંત કોલકાતામાં ભાવ ૯૦૩.૧૦ ડોલર પ્રતિ કિલોલીટર, મુંબઈમાં ૮૬૪.૩૫ ડોલર પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં ૮૫૯.૮૯ ડોલર પ્રતિ કિલોલીટરના ભાવ છે.