
કોંગ્રેસ બંગાળની બધી ૨૯૪ બેઠકો પર એકલા ચૂંટણી લડશે. આ નિર્ણય કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એક મહત્વપૂર્ણ પાર્ટી બેઠકમાં લીધો હતો. પશ્ચિમ બંગાળના તમામ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર હતા.
સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી તરફથી મોટા પડકારનો સામનો કરી રહી છે. આમ છતાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની ટીએમસીએ વિપક્ષી ઓલ ઈન્ડિયા એલાયન્સનો ભાગ હોવા છતાં, કોંગ્રેસ કે અન્ય કોઈ સાથી પક્ષ સાથે જાડાણ અંગે કોઈ વાટાઘાટો શરૂ કરી નથી. આના કારણે કોંગ્રેસે આ પગલું ભર્યું છે.
અગાઉ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારના નિવાસસ્થાને પક્ષના પશ્ચિમ બંગાળના સાંસદો સાથે બેઠક યોજી હતી અને તેમની ચિંતાઓ સાંભળી હતી. આ વ્યૂહાત્મક બેઠક પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થઈ હતી. બેઠક બાદ, ભાજપના સાંસદ રાજુ બિસ્તાએ જણાવ્યું હતું કે નીતિન નવીને સાંસદોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ દરમિયાન, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (સીપીઆઈ(એમ)) ના પશ્ચિમ બંગાળ એકમના સચિવ મોહમ્મદ સલીમે તાજેતરમાં જ નવી રચાયેલી જનતા ઉન્નયન પાર્ટીના વડા હુમાયુ કબીર સાથે મુલાકાત કરી હતી. આનાથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે સંભવિત જાડાણની અટકળોને વેગ મળ્યો છે. સલીમે કહ્યું કે આગામી ચૂંટણીઓ માટે સીટ-વહેંચણીના પ્રસ્તાવો પર સીપીઆઈ(એમ) ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચામાં ચર્ચા કરવામાં આવશે. તેમણે ન્યૂ ટાઉનની એક હોટલમાં તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કબીર સાથે એક કલાક લાંબી બેઠક કરી. હુમાયુ કબીર તાજેતરમાં મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જીદ-શૈલીની મસ્જીદનો શિલાન્યાસ કરવા બદલ વિવાદમાં આવ્યા હતા.