
દાહોદ પંચાલ સમાજ દ્વારા ગોવિંદનગર પંચાલ સમાજની વાડી ખાતે વિશ્ર્વકર્મા દાદાની જન્મ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. વહેલી સવારથી ભગવાન શ્રી વિશ્ર્વકર્મા દાદાને કેસર સ્નાન કરાવી પરંપરાગત પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી. પૂજન બાદ દાહોદ નગરમાં ભગવાન શ્રી વિશ્ર્વકર્મા દાદા ની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બહોળા પ્રમાણમાં લોકો જોડાયા હતા. નાના બાળકો થી માંડી વડીલો તથા મહિલાઓ જોડાયા હતા. મહિલા મંડળ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી. જેના લઇ સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદમય બન્યું હતું.
આ પ્રસંગે સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમાજના પંચ ટ્રસ્ટ તથા પંચાલ નવયુવક મંડળના સભ્યો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા. શ્રી વિશ્ર્વકર્મા દાદાની જન્મ જયંતીના કાર્યક્રમમાં દાદાની ધજા, થાળ તથા મહાઆરતીની બોલી બોલાઈ અને વિધિવત ધજા, થાળ તથા આરતી કરવામાં આવી.
શ્રી વિશ્ર્વકર્મા જયંતિ ઉજવણીના ભાગપે માય બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મયુર ભગવાનદાસ પંચાલે સૌથી વધુ વખત રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. આ કેમ્પમાં કુલ ૩૦ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ ના તમામ નાના-મોટા બાળકો વડીલોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે પંચાલ નવયુવક મંડળ, પંચાલ ટ્રસ્ટ,પંચાલ મહિલા મંડળ, પંચાલ પ્રગતિ મંડળ દ્વારા જણાવ્યું હતું કે, સમાજના તમામ વંદનીય જ્ઞાતિજનોને વિશ્ર્વકર્મા જયંતીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન વિશ્ર્વકર્મા આપ સૌને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે.