સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિકની ધરપકડ, ૭૫૪ કિલો નકલી પનીર જપ્ત

સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલી પનીરની નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવતા સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ છે.

એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને સુરભી ડેરીના ગોડાઉનમાં રેડ પાડીને લગભગ ૭૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ અન્ય સ્થળો પરથી મળીને કુલ ૭૫૪ કિલો પનીર જપ્ત કરાયું હતું. આ પનીર હોટલ, રેસ્ટોરન્ટ અને વિવિધ લારીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં લોકોના આરોગ્યને જોખમ થતું હતું.

લેબોરેટરી રિપોર્ટમાં પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થતાં અને તેમાં નકલીપણાના તત્ત્વો જોવા મળતાં એસઓજીએ ખટોદરા પોલીસ મથકમાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોગ્ય સાથે ચેડાં, ભેળસેળયુક્ત અને નકલી પદાર્થ વેચાણ, તેમજ છેતરપીંડીના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસે ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે ડેરીના અન્ય માલિક કૌશિક પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, તેની શોધખોળ ચાલુ છે.પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે સુરભી ડેરી દ્વારા દરરોજ લગભગ એક હજાર કિલો જેટલું પનીર બજારમાં પુરું પાડવામાં આવતું હતું. આમાંનો મોટો હિસ્સો નીચી ગુણવત્તાવાળું અથવા નકલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે અનેક લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા ઊભી થઈ છે.