
આણંદ જિલ્લાના લીંગડા નજીક આવેલી મહી કેનાલ પર એક કરુણ ઘટના સામે આવી છે. કેનાલમાં પૂજાના ફૂલ પધરાવવા ગયેલા એક દંપતીનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, દંપતી પોતાની પુત્રી સાથે મહી કેનાલ કિનારે ફૂલ પધરાવવા માટે ગયું હતું. તે સમયે અચાનક પતિનો પગ લપસી જતાં તેઓ કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. પતિને ડૂબતો જોઈને તેને બચાવવાના પ્રયાસરૂપે પત્નીએ પણ કંઈ પણ વિચાર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, કેનાલમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે બંને દંપતી ક્ષણવારમાં તણાઈ ગયા હતા. કિનારે ઊભેલી તેમની દીકરીએ આ દર્દનાક દ્રશ્ય નજરોનજર જાતાં જ તરંત જ સગા-સંબંધીઓ અને આસપાસના લોકોને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકો અને ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ દરમિયાન મેઘવા પાસે આવેલા ડાહ્યાપુરા નજીકથી દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. ભાલેજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ઉમરેઠ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.