ઝાલોદમાં સિંધી સમાજ દ્વારા આશુચંદ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

જય શ્રી ઝૂલેલાલના જયઘોષથી ગુંજી ઊઠ્યું મંદિર પરિસર; ધ્વજારોહણ, આરતી, બહેરાણા ની જ્યોત અને પલ્લવ પ્રાર્થના સાથે યોજાયો ધાર્મિક મહોત્સવ.

ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે આશુચંદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ભગવાન ઝૂલેલાલના મંદિરમાં વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સમાજના ભાઈઓ-બહેનો ભગવાનના ભજન-કીર્તન સાથે ભક્તિમાં લીન બન્યાં હતાં.

ધ્વજારોહણ અને આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ : આશુચંદ પર્વ નિમિત્તે સવારે ભગવાન ઝૂલેલાલના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની આરતી ઉતારી સમાજની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાંજના સમયે પરંપરાગત રીતે બહેરાણા ની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. આરતી અને પલ્લવ પ્રાર્થના સાથે ભક્તોએ ભગવાન ઝૂલેલાલનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બહેરાણા ની જ્યોત સાથે ભક્તિ અને આનંદનો માહોલ : સાંજે બહેરાણા ની જ્યોત સાથે સમાજના ભક્તો ભજન-કીર્તન કરતાં અને નાચતા-ઝૂમતા જોવા મળ્યા હતા. ભગવાન ઝૂલેલાલના જયઘોષ અને ભક્તિગીતોથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. પરંપરા અનુસાર બહેરાણા ની જ્યોતને રામસાગર તળાવ ખાતે લઈ જઈ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

સામૂહિક ભોજન-પ્રસાદીનું આયોજન : ધાર્મિક કાર્યક્રમના અંતે સિંધી સમાજ દ્વારા મંદિર ખાતે સામૂહિક ભોજન-ભંડારા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લોકોએ એકસાથે પ્રસાદી ગ્રહણ કરી પરસ્પર ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સમાજના સભ્યોએ એકબીજાને આશુચંદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

સિંધી સમાજની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે આશુચંદ પર્વ : સિંધી સમાજમાં આશુચંદ પર્વનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ પર્વ ભગવાન ઝૂલેલાલ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સમાજની પરંપરાઓ સાથે જોડાયેલો છે. ચંદ્રદર્શન, પૂજા-અર્ચના અને પલ્લવ પ્રાર્થના જેવી ધાર્મિક પરંપરાઓ દ્વારા ભક્તો સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલકામના કરે છે.

ઝાલોદમાં યોજાયેલી આશુચંદ પર્વની ઉજવણીએ સિંધી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સામાજીક એકતાને ઉજાગર કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય ઝૂલેલાલના જયઘોષ સાથે ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો.