ઝાલોદમાં પ્રથમ વખત સંગીતપ્રેમીઓ માટે અનોખી સંગીત સંધ્યાનું આયોજન, 25 જેટલી પ્રતિભાઓએ ગાયકીથી ભરત ટાવરને સંગીતમય બનાવ્યું

સનાતન હિન્દુ ઉત્સવ સમિતિનો સરાહનીય પ્રયાસ : નાના બાળકો, મહિલાઓ અને યુવાનોએ કરોકે સંગીતના માધ્યમથી પોતાની ગાયન પ્રતિભા રજૂ કરી, નગરમાં કાયમી સંગીત ક્લાસ શરૂ કરવાની પણ સંગીતપ્રેમીઓની લાગણી

ઝાલોદ નગરમાં છુપાયેલી સંગીત અને ગાયકીની પ્રતિભાઓને યોગ્ય મંચ મળે, સ્થાનિક કલાકારોને પોતાની કળા રજૂ કરવાની તક મળે અને સંગીત પ્રત્યે લોકોમાં વધુ રુચિ જાગૃત થાય તેવા ઉમદા હેતુ સાથે સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા પ્રથમ વખત ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 22 નવેમ્બર, 2026ના રોજ રવિવારે રાત્રે 9 કલાકે ભરત ટાવર ખાતે યોજાયેલી આ સંગીત સંધ્યાએ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.

આ કાર્યક્રમ કરોકે સંગીત આધારિત રાખવામાં આવ્યો હતો, જેમાં નગરના નાના બાળકો, મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંદાજે 25 જેટલા સંગીતપ્રેમીઓએ માઇક પર આવીને પોતાની ગાયકીની પ્રતિભા રજૂ કરી હતી. કોઈએ મધુર સ્વરમાં ગીતો રજૂ કર્યા તો કોઈએ પોતાની આગવી ગાયકીથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળેલો ઉત્સાહ અને મહિલાઓ તથા યુવાનોની સહભાગિતાએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.

ઝાલોદ નગરમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હોવાથી નગરજનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઉપસ્થિત લોકોએ કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના આ નવતર પ્રયાસને બિરદાવ્યો હતો. સામાન્ય રીતે નગરની પ્રતિભાઓને પોતાની કળા રજૂ કરવા માટે બહારના મંચની શોધ કરવી પડતી હોય છે, ત્યારે સ્થાનિક સ્તરે જ આવો મંચ ઉપલબ્ધ કરાવવો એ આયોજકોની સરાહનીય પહેલ બની રહી હતી.

 આ આયોજન માત્ર એક સંગીત કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતાં નગરની સંગીત પ્રતિભાઓને ઓળખવા અને તેમને આગળ વધારવાની દિશામાં એક પ્રેરણાદાયી પગલું બની રહ્યું હતું. સંગીત સંધ્યાની સફળતા બાદ નગરના સંગીતપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સાથે જ આવા કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે, જેથી બાળકો, યુવાનો અને મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની વારંવાર તક મળે તેવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.

આ ઉપરાંત ઝાલોદ નગરમાં કાયમી ધોરણે સંગીત ક્લાસ શરૂ થાય તેવી પણ સંગીતપ્રેમીઓની અપેક્ષા છે. જો નગરમાં સંગીત શીખવા માટે યોગ્ય માર્ગદર્શન અને તાલીમની વ્યવસ્થા ઊભી થાય તો અનેક છુપાયેલી પ્રતિભાઓને આગળ આવવાની તક મળી શકે તેમ છે. સંગીતના ક્ષેત્રમાં રસ ધરાવતા બાળકો અને યુવાનોને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળે તો ભવિષ્યમાં ઝાલોદમાંથી પણ સારા ગાયકો અને કલાકારો ઉભરી શકે છે.

ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંગીતકાર દિવસ (International Musicians Day) પણ ઉજવવામાં આવે છે. આવા વિશેષ દિવસે જ ઝાલોદમાં સંગીતપ્રેમીઓને મંચ આપવાનો આ કાર્યક્રમ યોજાયો તે એક સુંદર સંયોગ બની રહ્યો હતો.

સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા પ્રથમ પ્રયાસમાં જ આટલો સારો પ્રતિસાદ મળતાં આગામી સમયમાં વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંગીત સંધ્યાઓ યોજવા તેમજ નગરમાં સંગીત ક્લાસ શરૂ થાય તે દિશામાં પણ પ્રયાસો કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલથી ઝાલોદના સ્થાનિક કલાકારોમાં નવો આત્મવિશ્વાસ જાગ્યો છે અને સંગીતપ્રેમીઓમાં એક નવી આશાનો સંચાર થયો છે.