વિરપુર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનચાલકો મુસાફરોને બેસાડી જતાં એસ.ટી.નિગમને લાખોનુ નુકસાન

મહિસાગર જિલ્લાના વિરપુર એસ.ટી.બસ સ્ટેન્ડ પર છેલ્લા કેટલાક સમયથી ખાનગી પેસેન્જર વાહનોના વધતા ત્રાસને કારણે ગુજરાત રાજય માર્ગ પરીવહન નિગમની આવક પર ગંભીર ખતરો ઉભો થયો છે. બસ સ્ટેન્ડની અંદર અને તેની આસપાસ રિક્ષા તથા છકડા ચાલકો ખુલ્લેઆમ મુસાફરોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. જેને પગલે નિગમને સીધી રીતે લાખો ‚પિયાનુ નુકસાન વેઠવુ પડી રહ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર બસ સ્ટેન્ડમાં પ્રાઈવેટ વાહનચાલકોની હિંમત એટલી વધી ગઈ છે કે, તેઓ બસ સ્ટેન્ડની અંદર જઈને મુસાફરોને બુમો પાડીને પોતાના વાહનોમાં બેસાડે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ રોજીંદી બની ગઈ હોવાથી એસ.ટી.બસોમાં મુસાફરોની સંખ્યામાં મોટો ધટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર નિગમની તિજોરી પર પડી રહી છે. સોૈથી ગંભીર બાબત એ છે કે, આ બધુ જ જાહેરમાં અને તંત્રની નજર સામે ચાલતુ હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ રોકટોક કે કડક કાર્યવાહી કરાતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકો અને મુસાફરોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.